પંજાબના લુધિયાણામાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં પતિ-પત્ની અને 5 બાળક સહિત 7 જીવતાં ભડથું
લુધિયાણા , પંજાબના લુધિયાણા જિલ્લામાં મંગળવારે મોડી રાતે લગભગ પોણાત્રણ વાગ્યે ઝૂંપડીમાં આગ લાગવાથી લગભગ 7 લોકો જીવતા સળગી ગયા છે. ઘટના સમરાલા ચોકની નજીક ટિબ્બા રોડ સ્થિત મક્કડ કોલોનીની છે.
અહીં ઝૂંપડીમાં અચાનક જ આગ લાગી હતી. ચીસો સાંભળાતા જ લોકો દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે તેમણે ખૂબ જ મુશ્કેલી પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ એટલી ભયાનક હતી કે પરિવારના એકપણ સભ્ય બહાર નીકળી શક્યા નહોતા. લોકોએ પાણીની ડોલ વડે આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેઓ પણ પરિવારને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
એમ કહેવાઈ રહ્યું છે કે ઘટનામાં પરિવારના સાત લોકો જીવતા સળગી ગયા હતા. પરિવાર બિહારના સમીસ્તીપુર જિલ્લાનો રહેવાસી હતો. મૃત્યુ પામનારાઓમાં પતિ-પત્ની સહિત તેમનાં 5 બાળકો સામેલ છે.
મૃતકોની ઓળખ સુરેશ સાહની(55), તેમની પત્ની અરુણા દેવી(52), પુત્રી રાખી(15), મનીષા(10), ગીતા(8), ચંદા(5) અને પુત્ર સન્ની(2) તરીકે થઈ છે. પરિવારનો સૌથી મોટો પુત્ર રાજેશ બચી ગયો, જે પોતાના મિત્રના ઘરે સૂવા માટે ગયો હતો.
આગ લાગવાની માહિતી મળતાં જ રાજેશ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેણે જણાવ્યું હતું કે સુરેશ કુમાર ભંગારનું કામ કરતા હતા. આગ કેવી રીતે લાગી એનો કોઈને ખ્યાલ નથી. માહિતી મળતાં જ પોલીસ, હોસ્પિટલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ડીસી સુરભિ માલિક અને પોલીસ કમિશનર કૌસ્તબ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.