Western Times News

Gujarati News

પંજાબમાં ખેડૂતોએ મહિનામાં જીયો સહિતના 1411 ટાવર તોડતા નેટવર્ક ઠપ

પ્રતિકાત્મક

અમૃતસર, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોનો રોષ વધી રહ્યો છે અને હવે તેઓ કોર્પોરેટ સેક્ટરને ટાર્ગેટ કરવા લાગ્યા છે. પંજાબમાં માત્ર ૨૪ કલાકમાં જ ખેડૂતો અને અન્યોએ આશરે ૧૭૬ જેટલા મોબાઇલ ટાવરને તોડી નાખ્યા છે. જેને પગલે મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે આવું ન કરવા માટે ખેડૂતોને અને આંદોલનકારીઓને વિનંતી કરી છે. જ્યારે અત્યાર સુધીમાં આશરે ૧૪૧૧ જેટલા ટાવરના ટ્રાંસમિશનને તોડી નાખવામાં આવ્યા છે.

પંજાબના વિવિધ સ્થળોએ શનિવારથી અત્યાર સુધીમાં આશરે ૧૭૬ જેટલા ટેલિકોમ ટાવરના ટ્રાંસમિશનને તોડી નખાયા છે, જે પણ ટાવર તોડવામાં આવ્યા છે તે કંપનીઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સાથે સંકળાયેલી છે. ખેડૂતોને એવો ભય છે કે નવા કૃષિ કાયદાથી કોર્પોરેટ સેક્ટરને જ ફાયદો થાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. જેને પગલે અગાઉ આ ટેલિકોમ કંપનીઓના સીમકાર્ડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો જ્યારે હવે તેના ટાવર પણ તોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આવા આશરે ૧૪૧૧ જેટલા ટાવરના ટ્રાંસમિશન તોડી નખાયા છે. આ ટ્રાંસમિશન મોબાઇલ નેટવર્ક માટે હોય છે, જેને તોડીને તે વિસ્તારમાં ખેડૂતોએ જે તે સીમકાર્ડનું મોબાઇલ નેટવર્ક જ ઠપ કરી દીધુ હતું. મોટા ભાગના ટાવર જીયો સાથે સંકળાયેલા હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.

પંજાબના મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે ટેલિકોમ ટાવરને નુકસાન કરવાથી મોબાઇલ નેટવર્ક પર માઠી અસર થઇ રહી છે. જે રીતે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતો અનુશાસનનું પાલન કરી રહ્યા છે તે જ રીતે પંજાબમાં પણ અનુશાસન જાળવવામાં આવે. જોકે મુખ્ય પ્રધાન અમરિંદરસિંહની વિનંતીની ખેડૂતો પર કોઇ જ અસર નથી થઇ રહી. બીજી તરફ દિલ્હીના સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને અન્ય રાજ્યોના ખેડૂતોનો સહકાર મળી રહ્યો છે. કડકડતી ઠંડીમાં પણ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના હજારો ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે.

બીજી તરફ પંજાબના એક વકીલે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આત્મહત્યા કરી જીવ ગુમાવ્યો છે. પંજાબના ફેઝિકા જિલ્લાના જલાનાબાદના વકીલ અમરજિતસિંહે તિકરી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લીધી હતી, તેમની સ્થિતિ જોઇને વ્યથિત થયેલા વકીલે બાદમાં આત્મહત્યા કરી લીધી હતી અને પોતાની આત્મહત્યાની નોટમાં તેમણે લખ્યું છે કે મારુ જીવન ખેડૂતોના આંદોલનને સમર્પણ કરી રહ્યો છું. આ પહેલા એક સંત રામસિંહ પણ ખેડૂતોના સમર્થનમાં આત્મહત્યા કરી ચુક્યા છે. જોકે પોલીસે જણાવ્યું છે કે તેઓ વકીલની આત્મહત્યાની સુસાઇડ નોટની તપાસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.