પંજાબમાં ચન્ની જ રહેશે CM પદના ઉમેદવારઃ રાહુલ ગાંધી
(એજન્સી) ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની અટકળોનો અંત આવી ગયો છે. કોંગ્રેસે વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને આગામી ચૂંટણીમાં પણ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા છે.
રાહુલ ગાંધીએ રવિવારે લુધિયાણામાં યોજાયેલી એક રેલીમાં સત્તાવાર તેની જાહેરાત કરી છે. ચન્ની ચમકૌર સાહિબ ઉપરાંત ભદૌર વિધાનસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
ગત સપ્તાહે જાલંધરમાં યોજાયેલી રાહુલ ગાંધીની રેલીમાં સિદ્ધુએ કહ્યું હતું કે કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત કરી દેવી જાેઈએ. સિદ્ધુ અને ચન્ની બંનેએ આ અંગે ર્નિણય લેવાની અપીલ કરી હતી.
લુધિયાણામાં પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચન્નીજી ગરીબ ઘરના પુત્ર છે. તેઓ ગરીબીમાંથી આવ્યા છે અને ગરીબીને સારી રીતે સમજે છે. તેમના લોહીમાં પંજાબ છે. સિદ્ધુજીના લોહીમાં પણ પંજાબ છે. ચન્નીજીની અંદર અહંકાર નથી અને તેઓ જનતાની વચ્ચે જાય છે. મોદી અને યોગી તો જનતા વચ્ચે જતાં પણ નથી.
તેમણે વધારેમાં કહ્યું હતું કે, આ પંજાબનો ર્નિણય છે. અમે કાર્યકર્તાઓને પૂછ્યું હતું. પાર્ટીના ટોચના નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. તમામ લોકોએ કહ્યુ હતું કે ગરીબ ઘરનો મુખ્યમંત્રી હોવો જાેઈએ. સરણજીત સિંહ ચન્ની અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે. આ જાહેરાત બાદ ચન્નીએ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, અમે બધા સાથે મળીને પંજાબ માટે કામ કરીશું.
ચરણજીત સિંહ ચન્ની દલિત છે અને પંજાબમાં ૩૨ ટકા વસ્તી દલિતોની છે. હિંદુ દલિતો સાથે શીખ સમુદાય પર પણ ચન્નીની સારી પકડ છે. ચન્નીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ન બનાવવામાં આવે તો તેની સીધી અસર દલિત વોટ પર પણ પડી શકે છે. નોંધનીય છે કે પંજાબની તમામ ૧૧૭ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૧૦ માર્ચે મતગણતરી થશે.