પંજાબમાં ઝેરી દારુ પીવાથી ૨૬ લોકોનાં મોત નિપજ્યા
કેપ્ટન અમરિંદર સિંહે તપાસ માટે સીટનું ગઠન કર્યું
ચંદીગઢ, દેશના વિવિધ રાજ્યોમાં વારંવાર ઝેરીલી શરાબ પીવાની ઘટનામાં નિર્દોષ લોકોના મોત થયા છે. નશાની સમસ્યાને કારણે લાંબા સમયથી ઝઝૂમી રહેલા પંજાબમાં ઝેરી દારૂ પીવાને કારણે ૨૬ લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, તરણતારણ અને બટાલામાં ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થયા છે. કેપ્ટન અમરિંદર સિંહે તાત્કાલિક કાર્યવાહી કરતા મજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બટાલા જિલ્લામાં પાંચ લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. કેપ્ટન અમરિંદર સિંહે તપાસ માટે જે એસઆઈટીનું ગઠન કર્યું છે તે આ ઘટનાની તપાસ કરશે. આ સાથે જ તેની પાછળના મુખ્ય કારણોની પણ તપાસ કરશે.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તપાસ વહેલી તકે પૂરી થાય તે માટે ટીમને સંપૂર્ણ છૂટ આપી છે. આ સાથે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા રીતે જણાવ્યું છે કે, આ મામલે જે કોઈપણ વ્યક્તિને દોષિ જાહેર કરવામાં આવશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આંધ્રપ્રદેશમાં સેનેટાઈઝર પી જતાં નવ લોકોનાં મોત
પ્રકાસમ, આંધ્રપ્રદેશમાં દારૂની જગ્યાએ કથિત રીતે સેનેટાઈઝર પીવાંથી નવ લોકોના મોત થયાં છે. રાજ્યના પ્રકાસમ જિલ્લામાં આ ઘટના સામે આવી છે. દારૂની જગ્યાએ સેનેટાઈઝ પીવાંથી ત્રણ ભીખારી, ત્રણ રિક્ષા ચાલક અને ત્રણ મજુરોએ દારુની જગ્યાએ સેનેટાઈઝરનું સેવન કર્યું હતું.
એકનું સારવાર દરમિયાન મોત થયું જ્યારે અન્યનું ઊંઘમાં જ મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રકાસમ જિલ્લાના પોલીસવડાએ કુરીચેડૂની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, મૃતક છેલ્લા કેટલાંય સમયથી પાણી અને કોલ્ડ્રીંક્સ સાથે સેનેટાઈઝરનું સેવન કરી રહ્યા હતાં. એસપીએ જણાવ્યું કે, અમે તે પણ તપાસ કરી રહ્યાં છીએ કે શું તેમણે સેનેટાઈઝરને કોઈ અન્ય ઝેરી પદાર્થ સાથે મેળવ્યો હતો.
તેમણે કહ્યું કે, તેમના પરિવારના સભ્યોએ કહ્યું કે આ લોકો છેલ્લા દસ દિવસથી સેનેટાઈઝરનું સેવન કરતા હતા. અમે વિસ્તારમાં વેચવામાં આવી રહેલા સેનેટાઈઝરના સ્ટોકને તપાસઅર્થે મોકલી રહ્યાં છીએ. ઉલ્લેખનિય છે કે, કુરીચેડૂમાં હાલ કોરોનાના કારણે લોકડાઉન છે અને છેલ્લા ઘણાં દિવસોથી અહીં દારુની દુકાન પણ બંધ છે.