પંજાબમાં હોસ્પિટલોને વેચેલા રસીના ૪૨૦૦૦ ડોઝ પાછા લેશે
ચંદિગઢ: દેશમાં કોરોના વેક્સીનની અછતની બૂમો વચ્ચે પંજાબ સરકારે વેક્સીનના ૪૨૦૦૦ ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા હોવાના વિવાદના પગલે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે વિપક્ષે વેક્સીન વેચવાના લગાવેલા આરોપ બાદ પંજાબ સરકારે શુક્રવારે સાંજે કહ્યુ હતુ કે, ખાનગી હોસ્પિટલોને અપાયેલી વેક્સીન પાછી લેવામાં આવશે. પંજાબમાં અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે ગુરૂવારે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં વેક્સીનની અછત છે અને લોકોને મફતમાં વેક્સીન આપવાની જગ્યાએ સરકાર વેક્સીન ખાનગી હોસ્પિટલોને વેચી રહી છે. સરકારને કોવેક્સીનનો એક ડોઝ ૪૦૦ રૂપિયામાં મળે છે અને બીજી તરફ પ્રાઈવેટ હોસ્પિટલોને તે ૧૦૬૦ રૂપિયામાં સરકાર વેચી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલો લોકો પાસે એક ડોઝ મુકવાના ૧૫૦૦ રૂપિયા ચાર્જ કરી રહી છે.
બાદલે કહ્યુ હતુ કે, પ્રતિ પરિવાર એક ડોઝ માટે ૬૦૦૦ થી ૯૦૦૦ રૂપિયા ખર્ચ આવી રહ્યો છે. મોહાલીમાં જ એક દિવસમાં ૩૫૦૦૦ ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચવામાં આવ્યા હતા. વેક્સીનમાંથી નફો કમાવવાની હરકત યોગ્ય નથી. રાહુલ ગાંધીએ કહેવુ જાેઈએ કે તેઓ પંજાબ સરકારની આ કાર્યવાહીનુ સમર્થન કરે છે? લોકો વેકસીનના એક ડોઝ માટે ૧૫૬૦ રૂપિયા ખર્ચે તે રાહુલ ગાંધીને યોગ્ય લાગે છે ?
બાદલે આ મામલાની હાઈકોર્ટ દ્વારા તપાસ કરાવવા માટે માંગ કરીને કહ્યુ હતુ કે, રાજ્યના આરોગ્ય મંત્રી સામે કેસ થવો જાેઈએ. આ ગોટાળાને પણ કોંગ્રેસના જ એક નેતાએ એક્સપોઝ કર્યો છે. જેમણે હાલમાં તમામ માટે મફત વેક્સીનની માંગણી કરી હતી.
એ પછી પંજાબ સરકારે તમામ સ્ટોક પાછો લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. કોંગ્રેસે કહ્યુ હતુ કે, પ્રાઈવેટ હોસ્પિટલોને અપાયેલા ૪૨૦૦૦ ડોઝમાંથી ૬૦૦ જ ડોઝ ઉપયોગમાં લેવાયા છે અને બાકીના ડોઝ પાછા લેવામાં આવશે. પણ કેન્દ્ર સરકાર રાજ્યને અપાયેલા ખરાબ વેન્ટિલેર કયારે પાછા લશે અને માફી માંગશે તેનો જવાબ આપે. દરમિયાન કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે પંજાબ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવાએ પણ કેપ્ટન અમરિન્દર સિંહને પત્ર લખીને કહ્યુ છે કે, રાજ્ય સરકાર વેક્સીન વેચવાના મામલાની તપાસ કરાવે અને તેના માટે જે પણ જવાબદાર છે તેની સામે આકરી કાર્યવાહી કરે.