પંજાબ: મોહાલીમાં 3 માળની ઈમારત ધરાશાયી થતાં 6થી વધુ લોકો દટાયા હોવાની આશંકા
હરિયાણા, પંજાબના મોહલીમાં શનિવારે 3 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 4 મજૂરો સહિત અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના મોહાલીના ખરડા લાન્ડરા રોડ પર ઘટી છે. આ અંગેની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી દીધી છે.
પોલીસ અને સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે. શનિવારે સરકારી રજા હોવાથી કર્મચારીઓ ઓછા છે. જેના કારણે રાહત અને બચાવ કાર્યમાં સમસ્યા સર્જાઈ છે. 10 થી 12 JCB ઘટના સ્થળે એક બાજુથી કાટમાળ દૂર કરી રહ્યા છે.
હાલ પોલીસ, મોહાલી જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ પણ સ્થળ પર છે. ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. તે જ સમયે, ઘટનાસ્થળે 12 એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી છે. અધિકારીઓ કહે છે કે, અમારું પહેલું લક્ષ્ય દટાયેલા લોકોને બહાર કાઢવાનું છે. આ કેસમાં જે પણ બેદરકારી સામે આવશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.