પંજાબ સરહદે વધુ એક પાક. ડ્રોન તોડી પાડવામાં આવ્યું
ચંદીગઢ, પંજાબમાં ફરી એક વખત ડ્રોન મારફત માદક દ્રવ્યો અને શસ્ત્રો ઘુસાડવાની પેરવીમાં પાકિસ્તાન ત રફથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને મોકલાયેલા એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. સરહદી સલામતી દળની ચકોર નજરમાં આ ડ્રોન ઝડપાઈ ગયું હતું અને તૂર્ત જ તે તોડી પાડવામાં આવ્યું હતું.આ ડ્રોન ચાઈનીઝ બનાવટનું હતું જેથી ચીને પણ હવે ઘૂસણખોરીમાં પાકિસ્તાનને મદદ કરી હોવાનું બહાર આવ્યું છે.
બીએસએફના જવાનો મુજબ અમરકોટમાં સીમા ચોકી પર ગઇરાત્રે ૧૧.૧૦ કલાકે ડ્રોનનો અવાજ આવતા જ સતર્ક થઇ ગયા હતા અને હેક્સાકોપ્ટર ડ્રોન ઓછી ઉંચાઈએ ઉડતું નજરે ચડતા જ તેને બીએસએફે ટારગેટ બનાવ્યું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું હતું જે સ્થળ આંતરરાષ્ટ્રીય સીમાથી ફ્ક્ત ૩૦૦ મીટર દૂર હતું.
ડ્રોન મેઇડ ઇન ચાઈના હતુ અને માનવામાં આવે છે કે તેના મારફત માદક દ્રવ્યો ક્યાંક ડ્રોપ કરવામાં આવ્યા છે અને તેની તલાશી શરુ કરાઈ છે. બીએસએફના જવાનોએ આ ડ્રોન ફોરેન્સીક તપાસમાં પણ મોકલ્યું છે.HS