પંજાબ સામે કોલકાતાનો છ વિકેટે આસાન વિજય થયો
નવી દિલ્હી, ઝડપી બોલર ઉમેશ યાદવની વેધક બોલિંગ બાદ આન્દ્રે રસેલની તોફાની બેટિંગની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં શુક્રવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે છ વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો.
આઈપીએલ-૨૦૨૨ની પ્રથમ મેચમાં ૨૦૦થી વધુ રનના લક્ષ્યાંકને પાર પાડનારી પંજાબની કિંગ્સ ટીમ કોલકાતા સામે ૧૮.૨ ઓવરમાં ૧૩૭ રનના સ્કોરે ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ખરાબ શરૂઆત બાદ આન્દ્રે રસેલની વિસ્ફોટક અડધી સદીની મદદથી કોલકાતાએ ૧૪.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૪૧ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
રસેલે આઠ સિક્સર અને બે ચોગ્ગાની મદદથી ૩૧ બોલમાં ૭૦ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. કોલકાતા સામે ૧૩૮ રનનો આસાન કહી શકાય તેવો લક્ષ્યાંક હતો. જાેકે, કોલકાતાની શરૂઆત નિરાશાજનક રહી હતી. વેંકટેશ ઐય્યર ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો.
કોલકાતાએ ૫૧ રનના સ્કોર પર પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કેપ્ટન શ્રેયસ ઐય્યર ૨૬ અને અજિંક્ય રહાણે ૧૨ રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે નિતિશ રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પરંતુ આન્દ્રે રસેલની વિસ્ફોટક ઈનિંગ્સે કોલકાતાને કોઈ તકલીફ પડવા દીધી ન હતી. સામે છેડે સેમ બિલિંગ્સે રસેલને સાથ આપ્યો હતો.
આ જાેડીએ ૯૦ રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. રસેલે ૩૧ બોલમાં ૭૦ રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. તેણે આઠ સિક્સર અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બિલિંગ્સ ૨૩ બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૪ રન નોંધાવીને અણનમ રહ્યો હતો. પંજાબ માટે રાહુલ ચહરે બે તથા કાગિસો રબાડાએ એક વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેકે, પંજાબની ટીમે પ્રથમ ઓવરમાં જ સુકાની મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી દીધી હતી.
મયંક અગ્રવાલે એક રન નોંધા્યો હતો. ત્યારબાદ પંજાબની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી જેના કારણે તે મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. શિખર ધવન ૧૬ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ટીમ માટે સૌથી વધુ સ્કોર રાજપક્સાએ નોંધાવ્યો હતો. તેણે નાની પણ તોફાની ઈનિંગ્સ રમી હતી. તેણે નવ બોલમાં ૩૧ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી.
જ્યારે અંતિમ ઓવર્સમાં કાગિસો રબાડાએ ૧૬ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૫ રન ફટકાર્યા હતા. જ્યારે લિયામ લિવિંગસ્ટોન ૧૯, રાજ બાવા ૧૧ અને હરપ્રીત બ્રાર ૧૪ રન નોંધાવીને આઉટ થયા હતા.SSS