પંડિતોની જમીનો પર થયેલા કબજા છોડાવવાના પ્રયાસ
જમ્મુ: પાકિસ્તાન પરસ્ત આતંકવાદનો ડંખ યાદ કરીને આજે પણ પોતાની માટીથી અલગ થયેલા કાશ્મીરી પંડિતો ધ્રુજી ઉઠે છે. ૩ દશકા બાદ પણ તેમને તે સમયની યાતનાઓ યાદ છે. પોતાના ભાઈ-બહેન, મા-બાપ અને દીકરીઓને ગુમાવવાનું દુખ તેમના ચહેરા પર સ્પષ્ટ ઝળકી આવે છે. પરંતુ કલમ ૩૭૦ નાબૂદીના કારણે તેમનામાં નવી આશાનું સિંચન થયું છે. તેમને આશા છે કે, તેઓ ફરી પોતાના ઘરે પાછા ફરી શકશે. ઘાટી ફરીથી પંડિતો વડે ગુલઝાર થઈ ઉઠશે. ફરીથી તેઓ મહાશિવરાત્રિ વખતે વિતસ્તા (જેલમ નદીનું પ્રાચીન નામ)ના કિનારે કર્મકાંડ કરી શકશે.
આ તરફ સરકારે પણ પંડિતોની ઘરવાપસીની દિશામાં ઝડપથી પ્રયત્નો શરૂ કરી દીધા છે. ઘરે પાછા ફરવા ઈચ્છતા પંડિતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાન્જિટ કેમ્પ માટે જમીનની પસંદગી કરી દેવાઈ છે. રોજગારી માટે પીએમ પેકેજ અંતર્ગત ભરતીઓ કરવામાં આવી રહી છે. ખીણમાં કાશ્મીરી પંડિતોની જમીનો પર થયેલા કબજા છોડાવવા માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત ૨૦૧૫માં ૬,૦૦૦ ટ્રાન્જિટ આવાસ અને ૬,૦૦૦ નોકરીઓ સ્વીકૃત કરી હતી. આ માટે ૯૨૦ કરોડ રૂપિયાની રાશિ મંજૂર કરવામાં આવી હતી. ઉપરાંત પર્યટન વિભાગે શ્રીનગરના હનુમાન મંદિર સહિતના અન્ય હિંદુ ધર્મસ્થળોની દશા સુધારવા માટે પણ પ્રયત્નો શરૂ કરી દીધા છે.