પંપના કર્મચારીઓ સાથે તકરાર બાદ ૬ લોકોએ કર્મચારીઓને ફટકાર્યા
(વિરલ રાણા ) ભરૂચ,ભરૂચ જીલ્લાના વાલિયા ખાતે આવેલ જલારામ પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાતે મારામારીની ઘટના બની હતી.જેમાં ટૂ વહીલરમાં પેટ્રોલ ભરાવવા બાબતે મોપેડ સવાર યુવનની પંપના કર્મચારીઓ સાથે તકરાર થયા બાદ ૬ લોકો લાકડીના સપાટા સાથે પંપ ઉપર ધસી આવી કર્મચારીઓને ફટકાર્યા હતા.
જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.બનાવ સંદર્ભે વાલિયા પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.પોલીસે ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા પ્રયાસ હાથધર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રીએ વાલિયા ખાતે આવેલ જલારામ પેટ્રોલ પંપ ઉપર એક મોપેડ સવાર પેટ્રોલ પુરાવા પહોંચ્યો હતો.જ્યાં કર્મચારી વાહનમાં પેટ્રોલ ભરી રહ્યો હતો તે દરમ્યાન કોઈક કારણોસર મોપેડ સવારે નારાજગી વ્યક્ત કરી હતી.
રકઝક વધુ થતા અન્ય કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા. ઉગ્ર બોલાચાલી થતા એક કર્મચારીએ ધક્કામુક્કી કરી મોપેડ સવારને ફટકારી ભગાડી મુક્યો હતો.મોપેડ સવાર થોડા સમય બાદ પેટ્રોલ ભરાવવા બાબતે માથાકૂટની રીસ રાખી અન્ય ઈસમોને લઈ પેટ્રોલ પંપ પહોંચ્યો હતો અને ૬ શખ્સોએ પેટ્રોલ પંપ ઉપર કર્મચારીઓને ફટકારવાનું શરૂ કર્યું હતું.
હાથમાં લાકડીના સપાટ લઈ ધસી ગયેલા ૬ શખ્સોએ બે કર્મચારીઓને માર માર્યો હતો.અજાણ્યા ઈસમોએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને માર મારતા હોવાની ઘટના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ રેકોર્ડ થઈ છે.પેટ્રોલ પંપ સંચાલકને કર્મચારીઓ ઉપર હુમલાની જાણ કરવામાં આવતા પોલીસને મદદ માટે કોલ કરાયો હતો.
વાલિયા પોલીસે મારામારી અંગેનો ગુનો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથધરી ઘટના બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોને ઓળખવાની પ્રક્રિયા હાથધરી છે.સાથેસાથે ક્યાં કારણોસર તકરાર થઈ હતી જે બાદ મારામારી થઈ હતી તેની માહિતી જાણવા પણ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.