પકોડીની લારીનું નામ બદલાવવા ટોળાની તોડફોડ
ધાર, મધ્ય પ્રદેશના ઈન્દોર પછી હવે ધાર જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જેમાં લારીના નામને કારણે હોબાળો મચાવવામાં આવ્યો છે. ધારના ખાચરોદામાં એક મુસ્લિમ યુવક હિન્દુ દેવતાના નામ પર પાણીપૂરીની લારી ચલાવી રહ્યો હતો. સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ લારી પાસે એકઠા થઈ ગયા અને જબરદસ્તી તેની લારી પરથી નામનું બેનર હટાવ્યું. જ્યાં સુધી બેનર હટાવવામાં ન આવ્યું ત્યાં સુધી પકોડી વેચનારને ટોણા મારવામાં આવ્યા અને જાતજાતની વાતો કહેવામાં આવી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ધારના એસપી આદિત્ય પ્રતાપ સિંહે કહ્યું કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ધાર જિલ્લાના ગ્રામ ખાચરોદામાં ઈલિયાસ નામનો એક યુવક પકોડી વેચે છે. તેણે પોતાની લારીનું નામ સાંવરિયા પાણી-પૂરી રાખ્યુ હતું. આ વાતની જાણ ગ્રામીણોને થઈ તો તેઓ લારી પાસે પહોંચ્યા અને બેનર કઢાવ્યું. આખી ઘટનાનો કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો અને હવે સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ગામના લોકો તેને પહેલા નામ પૂછે છે.
જ્યારે તે જણાવે છે કે તેનું નામ ઈલિયાસ છે તો તેઓ લારીનું નામ બદલાવની હઠ પકડે છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે, તેઓ ઈલિયાસને કહી રહ્યા છે કે, તુ હિન્દુઓને છેતરી રહ્યો છે, તેમનો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યો છે. તારે તારા ધર્મ સંબંધિત લારીનું નામ રાખવું જાેઈએ. લારીનું નામ બદલીને અલ્લાહ, ૭૮૬ કે એવુ કંઈ રાખી દે અને પછી ધંધો કર.
તમે લોકોએ દેશભરમાં ૫૦ જાતના જિહાદ ફેલાવ્યા છે અને દેશને બરબાદ કરી નાંખ્યો છે. ધારના એસપી આદિત્ય પ્રતાપ સિંહ જણાવે છે કે, પોલીસને આ ઘટનાના વીડિયો વિષે જાણકારી છે. પોલીસ બન્ને પક્ષોની પૂછપરછ કરી રહી છે. તથ્યોના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે તાજેતરમાં જ મથુરાથી આવી ઘટના સામે આવી હતી જ્યાં બે ભાઈઓએ પોતાની ઢોંસાની લારીનું નામ શ્રીનાથ ઢોંસા કોર્નર રાખ્યુ હતું. અસામાજીક તત્વોના એક ટોળાએ આ લારી પર તોડફોડ કરી હતી અને બેનર પર હટાવી લીધુ હતું. આખરે તેમણે પોતાની લારીનું નામ બદલીને અમેરિકન ઢોંસા કોર્નર રાખ્યું છે.SSS