Western Times News

Gujarati News

પક્ષીઓ બચાવવા ટ્રોન્સફોર્મરના ફ્યુઝને પ્લાસ્ટિકથી કવર કર્યા

રાજકોટ, ઘણીવાર અત્યંત સરળ આઈડિયા એક મોટી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સક્ષમ હોય છે. આવો જ એક સામાન્ય પરંતુ જબરદસ્ત વિચાર રાજ્યમાં વીજળીનું વિતરણ કંપનીમાં કામ કરતા એક કર્મચારીને આવ્યો છે, જેની મદદથી અનેક પક્ષીઓ, ખિસકોલીઓ અને નાના પ્રાણીઓ કરપીણ મૃત્યુથી બચી શકે છે.

ઉલ્લેખનીય છે ધવલ રાજ્યગુરુ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. ધવલે જાેયું કે, ટ્રાન્સફોર્મર્સની હાઈ-વોલ્ટેજ લાઈનોના સંપર્કમાં આવવાને કારણે ઘણાં જીવોના દર્દનાક મૃત્યુ થાય છે. આ જાેઈને ધવલને ખૂબ દુખ થતુ હતું.

આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ધવલે મોટા ટ્રાન્સફોર્મર્સમાં ઉપયોગમાં લેવાતા પોર્સિલિન ફ્યુઝને પ્લાસ્ટિકથી કવર કરવાની શરુઆત કરી, જેથી પક્ષીઓ અને પ્રાણીઓ તેના સીધા સંપર્કમાં ન આવે. ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સફોર્મર્સમાં કોઈ સમસ્યા થાય તો તેને શોધવાની અને નિરાકરણ લાવવાની જવાબદારી લાઈન મેનની હોય છે.

આ પ્રકારના ફ્યુઝ ૧૧૦૦૦ વોલ્ટ્‌સ ધરાવતી હાઈ વોલ્ટેજ લાઈન ધરાવતા પ્રત્યેક ટ્રાન્સફોર્મરમાં હોય છે. આ ફ્યુઝ એકબીજાથી ૩ ઈંચના અંતરે ઈન્સ્ટોલ કરવામાં આવે છે.જ્યારે પક્ષીઓ અથવા ખિસકોલીઓ આ ફ્યુઝ પર બેસે છે તો તેમને કરંટ લાગે છે. છ વર્ષ પહેલા જ્યારે ધવલની પોસ્ટિંગ ભાવનગર જિલ્લાના સિહોરમાં કરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ વાર તેમણે આ વાત પર ધ્યાન આપ્યુ હતું.

ત્યારપછી તેમણે સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્નો શરુ કર્યા હતા. ખેડૂતો જ્યારે ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ(સિંચાઈની એક પદ્ધતિ) ખેતરમાં ઈન્સ્ટોલ કરે ત્યારે તેની સાથે જે પ્લાસ્ટિક હોય છે, ધવલે તે ભેગું કરવાની શરુઆત કરી. તે ખેડૂતો પાસેથી પ્લાસ્ટિક માંગી લાવતા હતા.

ધવલે સૌથી પહેલા એક ટ્રાન્સફોર્મરના ફ્યુઝને કવર કર્યો અને બે અઠવાડિયા સુધી તેના પર ચાંપતી નજર રાખી. ધવલને જાણીને નવાઈ લાગી કે, ૧૫ દિવસમાં પક્ષીના મૃત્યુની એક પણ ઘટના નહોતી બની. અત્યાર સુધી ધવલે આ પ્રકારે ૨૫૦ ટ્રાન્સફોર્મર્સ કવર કર્યા છે. તેમણે કહ્યું કે, ફ્યુઝ કવર કરવા માટે ખેડૂતો મને પ્લાસ્ટિક આપે છે.

તેઓ જે સ્ટોક મોકલે છે તે અત્યારે તો પૂરતો છે. મારા સીનિયર અધિકારીઓએ પણ આ પહેલના વખાણ કર્યા અને હવે હું અન્ય લાઈનમેન કર્મચારીઓને પણ આની તાલીમ આપુ છું. ધવલ રાજ્યગુરુની ફરીથી સિહોરમાં પોસ્ટિંગ કરવામાં આવી છે. તે જણાવે છે કે જ્યારે ટ્રાન્સફોર્મર પર પક્ષી અથવા પ્રાણીનું મૃત્યુ થાય છે ત્યારે પાવર સપ્લાય પણ ખોરવાઈ જાય છે.

પીજીવીસીએલસિહોરના ડેપ્યુટી એન્જિનિયર જે.આર.વેલેરા જણાવે છે કે, રાજ્યગુરુની આ પહેલને કારણે માત્ર પક્ષીઓના જીવન જ નથી બચતા, પાવર સપ્લાય પણ નિયમિત રહે છે. અમે અત્યારે એવા ટ્રાન્સફોર્મર્સની તપાસ કરી રહ્યા છીએ જ્યાં સૌથી વધારે અબોલ જીવોની જાનહાનિ થતી હોય.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.