પગાર બાબતે કર્મચારી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી મોબાઈલ-કાર લૂંટી લીધા
અમદાવાદ, સાઉથ બોપલ વિસ્તારમાં બાકી નીકળતો પગાર લેવા બાબતે બે સિક્યોરિટી રવિ લામાની સિક્યોરીટી સર્વિસ ઓફિસમાં જઈને કર્મચારીને ધાકધમકી આપીને ૧૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવીને મોબાઈલ તેમજ તેની સ્વિફ્ટ કાર લૂંટીને ફરાર થઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સાઉથ બોપલના કવિસા અરબીનિયામાં રહેતા અને સોબો સેન્ટર ખાતે રવિ લામાની સિક્યોરિટી સર્વિસ ઓફિસમાં કામ કરતા પ્રશાંત ખરેએ પ્રદ્યુમન શર્મા અને અરુણ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ પહેલાં પ્રશાંત વીરમગામ ખાતે રોકેટ ઈન્ડિયા નામની કંપનીમાં કામ કરતા હતા ત્યારે અરુણ શર્મા અને પ્રદ્યુમન શર્મા આવ્યા હતા
અને પ્રશાંત પાસે આવીને કહ્યું કે શેફનેટ સિક્યોરિટી તરીકે કામ કર્યું તેનો પગાર બાકી છે, જેથી પ્રશાંતે કહ્યું કે કંપની તરફથી પેમેન્ટ લેટ આવ્યું છે. ત્યારબાદ તમે રિઝાઈન ફોર્મમાં સહી કરી દેશો તો તમારો પગાર એકાઉન્ટમાં જમા કરાવી આપીશું તેવી વાત કરી હતી. તે પછી તેઓ જતા રહ્યાં હતા.
ત્યારબાદ સાંજના સમયે તેઓ ફરી પ્રશાંતની ઓફિસ પર આવ્યા હતા તે સમયે અરુણ શર્માએ કહ્યું કે અમારો પગાર હાલ રોકડમાં આપવો પડશે. આથી પ્રશાંતે કહ્યું કે હાલમાં મારી પાસે પૈસા નથી. હું રવિ લામાને તમારા પગારની વાત કરીશ. પ્રશાંતે આમ કહેતાં બંને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા
અને પ્રશાંતને કહેવા લાગ્યા કે પગારના રૂપિયા આપવા પડશે, નહિતર જાનથી મારી નાંખીશુ. બંનેએ આમ કહીને પ્રશાંત પાસેથી ઓનલાઈન ૧૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારબાદ પ્રશાંત સાથે ઝપાઝપી કરી તેમનો મોબાઈલ અને ખિસ્સામાંથી સ્વિફ્ટ કારની ચાવી કાઢી કાર લૂંટીને ભાગી ગયા હતા. પ્રશાંતે આ અંગ તેના મિત્ર અને રવિને જાણ કર્યા બાદ બોપલ પોલીસ સ્ટેશનમાં પ્રદ્યુમન શર્મા અને અરુણ શર્મા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.