પચાસ વર્ષમાં દુબઈએ કરેલી પ્રગતિ વખાણવા લાયક છે.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/dubai-a1-1024x678.jpg)
ભવ્ય અને મસ્ત દુબઈ ક્યાં ?
ત્યાંની કરન્સી દિરહામ છે. એક દિરહામ એટલે વીસેક રૂપિયા.
મધ્ય-પૂર્વ એશિયામાં સ્થિત સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના સાત અમીરાતમાંનુ એક એટલે દુબઈ. અમીરાત એટલે રાજ્ય. ઈરાનના (પાર્શિયા) અખાતના કાંઠે સ્થિત આ શહેર સમુદ્રસપાટીથી ૧૬ મીટર ઉચાઈએ છે. દક્ષિણે અબુધાબી અને ઉત્તર-પૂર્વે શારજાહ અને ઓમાન તેની દક્ષિણ-પૂર્વે છે. તે શારજાહથી ર૧, અજમનથી ૩૧, અબુધાબીથી ૧ર૩, કતારના દોહાથી ૩૭૬ કિલોમીટરે છે.
ઈતિહાસ શું કહે છે ?
દુબઈનો ઈતિહાસ ખાસ્સો જૂનો છે. જાે કે સન ૧૮૩૩માં તે પ્રકાશમાં આવ્યું હતું. મુખ્તુમ રાજવંશે નવમી જૂન ૧૮૩૩માં તેના પર કબજાે કર્યો. તે દિવસથી હાલના દુબઈના વિકાસની શરૂઆત થઈ હતી એમ કહી શકાય. ઈ.સ. ૧૯૬૬માં ત્યાં તેલની શોધ થઈ પછી ત્યાં નવા ચલણની શરૂઆત થઈ.
પછી તેલનીવધતી જતી માંગે તેને વિશ્વના શ્રીમંત દેશોમા સ્થાન અપાવ્યું. શેખ રશીદ અલ મખ્તુમના મૃત્યુ પછી શેખ મખ્તુમ બિન રશિદ અલ મખ્તુમને રાજગાદી મળી. ૧૯૯૦ના દાયકામાં દુબઈ બિઝનેસ હબ બન્યું. આજે દુબઈમાં વિશ્વના દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ્સ, ઉંચી ઈમારહતો અને કૃત્રિમ દ્વીપો છે. દુનિયાનું એક સૌથી શાનદાર એરપોર્ટ ધરાવવાનો શ્રેય પણ તેને જાય છે.
શું જાેશો ?
બુર્જ અલીફા ઃ ત્યાંના પ્રમુખ આકર્ષણોમાંસામેલ ૧૬૩ માળની આ ઈમારત દુનિયાની એક સાઉથી ઉંચી ઈમારત છે. ઉંચાઈને કારણે તે ૯૦ કિલોમીટરના અંતરેથી પણ જાેઈ શકાય છે. તેના ઈન્ટિરિયરમાં ર૪ કેરેટ સોનાનો ઉપયોગ થયો છે. ઈમારતને નીચેથી જાેવાથી તે વિશાળ દેખાય છે. તેના શિખર સુધી નજર ફેરવવાનું કામ મુશ્કેલ છે. ઈસ્લામી વાસ્તુકાળનુ તે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ર૦૦૪માં શરૂ થયેલું બાંધકામ ર૦૧૦માં પુરૂં થયું હતું. બુર્જ ખલીફાની અંદર રવા ચોક્કસ ફી ચૂકવવી પડે છે.
મિરેકલ ગાર્ડન ઃ પ્રાકૃતિક ફૂલોનો આ બગીચો ૭ર,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલો છે. વિશ્વના સૌથી સુંદર અને મોટા નૈસર્ગિક ગાર્ડનમાં તેની ગણના થાય છે. લાખો ફૂલો અને પ્લાન્ટ ત્યાં જાેવા મળે છે. ગાર્ડન નવેમ્બરની મધ્યથી મેની મધ્ય સુધી ખુલ્લો રહે છે. તેને સન ર૦૧૩ના વેલેન્ટાઈન ડે એ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પામ જુમૈરાહ ઃ આ દ્વીપસમૂહની ખાસ વાત એ છે કે તેનો પાયો મધ્ય પ્રદેશના છતરપુર જીલ્લાના પથ્થરો પર ટકેલો છે. તેનો આકાર તાડનાં વૃક્ષો જેવો હોવાથી તેને આ નામ મળ્યું છે. શ્રીમંત વિસ્તાર ગણાતા આ વિસ્તારમાં શાહરૂખ ખાન સહિત અનેક લોકપ્રિય અને સેતુ જાેવાલાયક છે. ત્યાં વોટર સ્પોટ્ર્સની સુવિધા છે. હેલિકોપ્ટરથી આ વિસ્તારનું વિહંગાવલોકન પણ થઈ શકે છે.
જુમૈરાહ મસ્જીદ ઃ દુબઈની મસ્જીદોમાં આ સૌથી સુંદર મસ્જીદ છે. તે કૈરોની અલ અઝહર મસ્જીદની તે પ્રતિકૃતિ છે. તેનાથી જાે કે આઠગણી વિશાળ છે. ઈસ્લામિક સ્થાપત્યકાળનું પણ તે આગવું દ્રષ્ટાંત છે.
ડેરા ઃ દુબઈની ખાડીની ઉત્તર આવેલું છે. આ સ્થળ ગોલ્ડ સોક કે સૂક (સોનાના બજાર) માટે લોકપ્રિય છે. તે વિશ્વનું સૌથી મોટું સોના બજાર છે. ગરમ મસાલા માટે પણ તે ફેમસ છે. ત્યાંના હેરિટેજ હાઉસ અને અલ અહમદિયા સ્કૂલ જાેવાલાયક છે.
ડોલ્ફિઈનારિયમ ઃ સ્થાનિકો અને પર્યટકો ડોલ્ફિન સાથે દોસ્તી કરવા અને સ્વિમિંગ માટે ત્યાં પહોંચી જાય છે. આ સ્થળ જાેવા માટે ઓછામાં ઓછો પોણો કલાક ફાળવવો.
ખાડી ઃ તે ખારા પાણીનું એક મુખ્ય બંદરગાહ છે દુબઈને એ બે ભાગમાં વહેંચે છે. અને વેપારી બંદરને રણ સાથે જાેડે છે. તે પર્શિયન ખાડી અને વન્યજીવ અભયારણ્ય સુધી વિસ્તારિત છે.
બોલીવુડ પાર્ક ઃ હિન્દી ફિલ્મોના રસિયાઓ માટે આ પાર્કની મુલાકાત વગર દુબઈ ટ્રિપ પૂરી ના થાય. બોલીવુડને સમર્પિત આ પાર્ક વિશ્વનો આવો સૌપ્રથમ થીમ પાર્ક છે.
ડેઝર્ટ સફારી ઃ ડેઝર્ટ સફારી પણ ખાસ છે. રેતીના ઢૂવા પર ઉછળતો મોટરોમાં બેસીને રણની સફરના રોમાંચનો આનંદ માણ્યે જ ખબર પડશે. વિવિધ પ્રકારનાં વ્યંજનો અને બેલી ડાન્સ સાથે પારંપારિક નૃત્યોનો આનંદ સફારીમાં સામેલ છે. સાથે ઉંટસવારી પણ ખરી.
દુબઈ મોલ ઃ ચકાચોંધથી ભરપૂર આ મોલ શોપર્સ માટે સ્વર્ગ સમાન છે. ત્યાંથી બુર્જ ખલીફા અને પ્રસિધ્ધ ફાઉન્ટન જાેઈ શકાય છે.
શોપિંગ ફેસ્ટિવલ ઃ ર૬ ડિસેમ્બરથી શરૂ થયેલો આ ઉત્સવ પહેલી ફેબ્રુઆરી સુધી ચાલશે. દર વર્ષે યોજાતા આ ઉત્સવમાં શોપિંગ કરવા વિશ્વભરમાંથી પર્યટકો ઉમટી આવે છે. આ વર્ષે તેની ર૪મી આવૃત્તિ છે. દુબઈના આર્થિક વિકાસમાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો છે.
જાણવા જેવું – • દુબઈની કુલ વસ્તી ઓછી છે. ૮પ ટકા લોકો ત્યાં વિદેશથી આવીને વસ્યા છે. તેમાં ભારતીય લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.
• વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં તેની ગણના થાય છે.
• ત્યાં ૭૦ થી પણ વધુ શોપિંગ સેન્ટર છે. તેથી તેને મધ્ય-પૂર્વના શોપિંગ સેન્ટરનું ઉપનામ મળ્યું છે.
• વિશ્વની એકમાત્ર સેવન સ્ટાર હોટલ ત્યાં છે.
• મુંબઈથી દુબઈ સીધી ફ્લાઈટ મળી રહે છે.
• વિઝા માટેની માહિતી ઓનલાઈન મેળવી લેવી.
• ટૂર ઓપરેટર્સ પણ ત્યાંની ટૂર યોજ્યા કરે છ. નવેમ્બરથી માર્ચ ત્યાં જવા આદર્શ સમયગાળો છે.