Western Times News

Gujarati News

પછાતપણાનું વિશેષણ દુર કરવું હશે તો શિક્ષણ લેવું જ પડશેઃ ભૂપેન્દ્રસિંહ

છોટાઉદેપુર: હું પંચમહાલ અને દાહોદનો પ્રભારી મંત્રી હતો ત્યારે કાયમ આ જિલ્લાના નામની આગળ કે પાછળ “પછાત”નું વિશેષણ વાપરવામાં આવતું હતું. છોટાઉદેપુર જિલ્લા વિશે પણ કંઇક આવું સાંભળવા મળે છે. પછાતપણાનું મહેંણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે એમ, રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.

જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસના શુભારંભ પ્રસંગમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સ્વાર્થવશ બાળકોને શાળામાંથી ઉઠાડી લેવામાં ન આવે કારણ કે, વિકાસની પ્રથમ શરત શિક્ષણ છે. એમ જણાવી તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ અંગે વિગતે છણાવટ કરી નવી શિક્ષણ નીતિની વિશેષતાઓ અંગે વિગતવાર સમજ આપી હતી.

રાજય સરકાર દ્વારા આદિજાતિ સમાજના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ સરકારે આદિજાતિ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે નવબંધુ કલ્યાણ યોજનાથી અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં સરકારે ૧૮ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરી છે. અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અમદાવાદ, ભાવનગર જેવા દુરના સ્થળે જતા હતા.

આજે એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસનો શુભારંભ થવાથી અહીંના વિદ્યાર્થીઓને ઘરઆંગણે સુવિધાઓ ઉપલબ્ધ થશે જેનાથી અહીંના વિસ્તારનું શિક્ષણનું સ્તર ઉંચું આવશે. એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસના શુભારંભ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ કમાણીનું સાધન નહીં પણ સેવાનું કામ છે. એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસ શરૂ થવાથી અહીંના વિદ્યાર્થીઓને સારી સગવડતા પ્રાપ્ત થશે. કોઇને શિક્ષણ આપવું એ મોટામાં મોટી સેવા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.