પટના સીરિયલ બ્લાસ્ટ કેસમાં 4ને ફાંસીની સજા
પટના, NIA કોર્ટે પટનાના ગાંધી મેદાનમાં 8 વર્ષ અગાઉ થયેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટ કેસમાં નવ આતંકવાદીઓને દોષી જાહેર કર્યા છે. NIA કોર્ટના વિશેષ ન્યાયાધીશ ગુરવિંદર સિંહે ચાર આતંકવાદીઓને ફાંસીની સજા ફટકારી છે જ્યારે બેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
બે દોષિતોને 10 વર્ષ અને એકને સાત વર્ષની સજા આપવામાં આવી છે. તત્કાલીન વડા પ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં બોમ્બ બ્લાસ્ટના સંદર્ભમાં જેલમાં બંધ 10 માંથી નવ આતંકવાદીઓને 27 ઓક્ટોબરે દોષી ઠેરવવામાં આવ્યા હતા.
NIA કોર્ટે નોમાન અંસારી, હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી, મો. મોઝિબુલ્લાહ અંસારી અને ઈમ્તિયાઝ અંસારી ઉર્ફ આલમને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ ઉમર સિદ્દિકી અને અઝહરુદ્દીનને ઉંમર કેદની સજા આપી છે.
તમામ છ આતંકવાદીઓને IPCની કલમ 302, 120બી અને UAPA એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા. NIAના વિશેષ પીપી લલિત પ્રસાદ સિંહાએ તે બધા માટે ફાંસીની માગ કરી હતી. આ ઉપરાંત કોર્ટે અહમદ હુસૈન અને ફિરોઝ આલમ ઉર્ફે પપ્પુને 10 વર્ષ અને ઇફ્તિખાર આલમને સાત વર્ષની સજા ફટકારી છે. નોંધપાત્ર બાબત એ છે કે ઇફ્તિખારની સજા 7 વર્ષ પૂર્ણ થઈ ગઈ છે.
કોર્ટે કહ્યું કે જો કોઈ આતંકવાદીને આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવી હોય તો તે 30 દિવસની અંદર કરી લે, નહીંતો સજાનો આદેશ કન્ટીન્યૂ કરવામાં આવશે.