પડતર માંગણીઓનાં ઉકેલ માટે ઓલપાડનાં શિક્ષકો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા
હાંસોટ : સરકાર દ્વારા નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવતા સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભ આપવાની માંગ કરી રહ્યા છે ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજનાનાં પુનઃસ્થાપન માટે ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષક ભાઇ-બહેનો તથા સંઘનાં હોદ્દેદારો તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલનાં માર્ગદર્શન અને સંકલન હેઠળ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી, પાંચમાં પગાર પંચની તફાવતની રકમનાં બાકીનાં હપ્તાની ચુકવણી કરવી, ફિક્સ પગારની યોજના નાબૂદ કરવી, પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ઉચ્ચતર પગાર ધોરણ માટે સળંગ ગણવી, સાતમા પગાર પંચનાં પગાર ધોરણ પ્રમાણે મળવાપાત્ર ભથ્થાઓ કેન્દ્રનાં ધોરણે ચૂકવવા જેવી મુખ્ય પાંચ માંગણીઓ સાથે આ કાર્યક્રમમાં જોડાયેલ સુરત જિલ્લા સહિતની રાજ્યભરની બહેનોની મોટી સંખ્યા ઊડીને આંખે વળગે તેવી હતી.
૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે ઓલપાડ તાલુકાનાં શિક્ષકો ઉપરાંત અન્ય સંવર્ગ કર્મચારીઓએ પણ પોતાનાં હક માટેની માંગણીઓ બુલંદ કરવા મોટી સંખ્યામાં હાજર રહી શક્તિ પ્રદર્શન કર્યું હતું.ધરણાં કાર્યક્રમને લઈ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સંયુક્ત પ્રતિભાવમાં જણાવ્યું હતું કે અમો બંધારણીય રાહે આંદોલન કરી રહ્યાં છીએ.
સરકારનાં હાથ-પગ ગણાતા સરકારી કર્મચારીઓની હકની માંગણીઓ ત્વરિત સંતોષાય એવી અમો અપેક્ષા રાખીએ છીએ. આ તબક્કે કાર્યક્રમને સફળ બનાવવાનું આહવાન ઝીલી લેનાર સુરત જિલ્લાનાં તમામ કર્મચારી મંડળનો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.