પણસોરા ગામ ખાતે નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો મૂર્તિ-પ્રતિષ્ઠા ઉત્સવ

મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ પણસોરા ગામે તારીખ ૦૧ ફેબ્રુઆરી‚ ૨૦૨૦ ના રોજ નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ-પ્રતિષ્ઠા ઉત્સવ યોજાઈ ગયો. ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોથી પાવન થયેલી આ ભૂમિ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ આ ભૂમિ પર પધારી સત્સંગ ના બીજ રોપ્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી પૂજ્ય સંતોના અવિરત વિચરણથી પણસોરા ગામમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ અને સમયના વહેણ સાથે અનુક્રમે સંયુક્ત મંડળ, મહિલા મંડળ, બાળ મંડળ અને યુવક મંડળ ની શરૂઆત થઈ.
અઠવાડિક સત્સંગ સભામાં વૈદિક અક્ષર-પુરુષોત્તમ ઉપાસના ના પડઘમ ગુંજાવા લાગ્યા અને મંદિરની આવશ્યકતા ઉભી થઇ. પૂ.સંતો તથા સ્થાનિક કાર્યકરોના અવિરત પુરુષાર્થથી પણસોરા ગામના મુખ્ય માર્ગ પરની ભૂમિ ગ્રામ-પંચાયત દ્વારા સંપાદન કરવામાં આવી.
શ્રી દિનુભાઇ પટેલ‚ અંબાલાલ પટેલ‚ દક્ષભાઇ પટેલ‚ કનુભાઇ પટેલ‚ મગનભાઇ વાળંદ‚ ચંદ્રકાંતભાઇ પટેલ વગેરે હરિભક્તો અને સ્થાનિક કાર્યકરોના સેવા-સમર્પણથી મંદિર નિર્માણ કાર્ય ખૂબ જ ટૂંકા સમયમાં સંપન્ન થયું.
મૂર્તિ-પ્રતિષ્ઠા ઉત્સવ અનુક્રમે તા. ૩૦ જાન્યુઆરી‚ ૨૦૨૦ ગુરુવારના રોજ મહિલા-પાંખ દ્વારા વિશાળ મહિલા સંમેલન યોજાયું. જેમાં ૩૫૦ થી વધુ બહેનોએ સત્સંગલક્ષી પ્રેરણાત્મક કાર્યક્રમનો લાભ પ્રાપ્ત કર્યો હતો. તારીખ ૩૧ જાન્યુઆરી‚ ૨૦૨૦ શુક્રવારના મંગલ પ્રભાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાયો. જેમાં ૨૪૦થી વધુ યજમાનોએ વેદ મંત્રોના ધ્વનિ વચ્ચે યજ્ઞ-નારાયણને આહુતિ અર્પણ કરીને ધન્યતા અનુભવી. ત્યારબાદ બપોરે કલાત્મક રથમાં પ્રતિષ્ઠિત થનાર શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજ અને ગુરુ-પરંપરાની મૂર્તિઓની શોભાયાત્રા પણસોરા ગામમાં યોજાઇ. ત્યારે સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ. આ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાના દર્શન કરી ભાવિકો અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કર-કમળો દ્વારા નડિયાદમાં તારીખ ૨૩/૦૫/૨૦૧૯ ના રોજ વેદોક્તવિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલી શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજ અને ગુરુ-પરંપરાની મૂર્તિઓની સ્થાપના વિધિ તારીખ ૦૧ ફેબ્રુઆરી‚ ૨૦૨૦ શનિવારના રોજ પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે બી.એ.પી.એસ. ના વિવિધ મંદિરના કોઠારી સંતો પૂ. વેદજ્ઞ સ્વામી‚ પૂ. ભગવતચરણ સ્વામી‚ પૂ. ગુણનીધિ સ્વામી તથા પૂ. સર્વમંગલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ યોજાયેલ પ્રતિષ્ઠાની પ્રાસંગિક સત્સંગસભામાં પૂજ્ય સંતોએ પ્રેરક-પ્રવચન અને આશિર્વચન પાઠવીને સમર્પણનિષ્ઠ હરિભક્તોની સેવાને બિરદાવી હતી. જેમાં ૪૦૦૦ થી વધુ હરિભક્તોએ આ દિવ્ય પ્રતિષ્ઠા સભાનો લાભ લીધો હતો. નડિયાદ મંદિરના કોઠારી સંત સર્વમંગલ સ્વામી તથા અહીં વિચરણ કરતા ધર્મનિલય સ્વામી અને શ્રીજીદર્શન સ્વામીના માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ હરિભક્તોની અનન્ય સેવાથી આ ઉત્સવ ભક્તિ-ભાવપૂર્વક સંપન્ન થયો.