પતંગના દોરાથી ઘવાયેલા ૬૨ પક્ષીઓની કરૂણા અભિયાન હેઠળ સારવાર કરાઈ
ગોધરા:રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા. ૧૦ જાન્યુઆરીથી શરૂ કરાયેલા કરૂણા અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા ૬૨ જેટલા પક્ષીઓની સારવાર કરી બચાવ કરવામાં આવ્યો હતો. તા. ૧૦/૦૧/૨૦૨૦થી તા.૧૫/૦૧/૨૦૨૦ દરમિયાન જુદા-જુદા સારવાર કેન્દ્રો ખાતે કુલ ૬૨ પક્ષીઓને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગોધરા ખાતે સૌથી વધુ ૩૪ અને અને ત્યારબાદ હાલોલ ખાતે ૨૫, કાલોલ ખાતે ૨ અને ઘોઘંબા ખાતે ૧ ઈજાગ્રસ્ત પક્ષીની સારવાર હાથ ધરાઈ હતી. સામાન્ય ઈજાવાળા પક્ષીઓને ૨૪ કલાક પૂરતા ઓબ્ઝર્વેશનમાં રાખીને તંદુરસ્ત જણાયે પાણીકાંઠા પાસે મુક્ત કરવામાં આવ્યા હતા. ઈજા પામેલા પક્ષીઓમાં કબૂતરોની સંખ્યા સૌથી મોટી હતી. કુલ ૫૮ કબૂતરો, ૨ પોપટ, ૧ પેઈન્ટેડ સ્ટોર્ક અને ૧ હેરોન ધારદાર દોરાના કારણે ઈજા પામ્યા હતા.
તા. ૧૪/૦૧/૨૦૨૦ના રોજ જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરાએ ગોધરા અને કાલોલ ખાતેના સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હાજર અધિકારીઓ, સ્વયંસેવકો અને ડોક્ટર્સની ટીમ સાથે સંવાદ કરી આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કરૂણા અભિયાન અંતર્ગત પતંગબાજીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં એક ૧૯૬૨- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને ૯ એમવીડી (મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી) તૈનાત કરવામાં આવ્યા હતા. તા. ૨૦ જાન્યુઆરી સુધી આ અભિયાન અંતર્ગત જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને સરવાર પૂરી પાડવામાં આવશે.