પતંગ ચગાવતા અંકિતાને સુશાંત સિંહ યાદ આવ્યો
મુંબઈ: સામાન્ય રીતે અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જાેડાયેલી જ રહે છે. તેની તસવીરો અને વિડીયોઝ પણ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. મકરસંક્રાંતિ પર તેણે સુશાંત સાથે જાેડાયેલો એક ઈમોશનલ વિડીયો શૅર કર્યો હતો. જેને જાેઈને ફેન્સ અને ફોલોઅર્સ ઈમોશનલ થઈ ગયા હતાં. આ વિડીયો શેર કરવાની સાથે જ અંકિતાએ રુંવાંટા ઉભા થઈ જવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.
અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવતા પોતાનો એક વિડીયો શૅર કર્યો હતો. જેમાં સુશાંતની ફિલ્મ ‘કાય પો છે’નું ગીત પણ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. અંકિતાએ લખ્યું કે, ‘આ ગીતને સાંભળીને આજે પણ રુંવાંટા ઉભા થઈ જાય છે. શું શાનદાર ફિલ્મ હતી. આટલી બધી યાદો સાથે એ શું સફર હતો. મકર સંક્રાંતિની શુભકામનાઓ. નોંધનીય છે કે ફિલ્મ કાયપો છે સુશાંતની ડેબ્યૂ ફિલ્મ હતી.
જે સમયે અંકિતા અને સુશાંત રિલેશનશીપમાં હતાં. આ બન્નેનો પ્રેમ વર્ષ ૨૦૧૧માં પવિત્ર રિશ્તાના સેટ પર પાંગર્યો હતો. સુશાંતે અંકિતાને ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા’માં પ્રપોઝ કર્યુ હતું. ૨૦૧૩માં ‘કાયપો છેના પ્રીમિયર દરમિયાન અંકિતા સુશાંત સાથે હતી. ૨૦૧૬માં બન્નેનું બ્રેકઅપ થયું હતું. અંકિતા હવે વિકી જૈન સાથે રિલેશનશીપમાં છે.