પતંગ પકડવા જતાં ટ્રેન નીચે બાળક આવ્યો
અમદાવાદ: સુરત ઉધના રેલવે લાઈન પર પંતગ પકડવાની લ્હાયમાં ધોરણ-૬માં અભ્યાસ કરતા ૧૧ વર્ષના એક બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને પરિવારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક પર ગયેલા ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા તૈયારી દર્શાવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા ઈમામ ઈસ્લામ શેખ (ઉ.વ.આ.૧૧) છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ત્રણ બેન અને બે ભાઈઓમાં સૌથી નાના ઈમામ તેના ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો
તે દરમિયાન ઈમામ ગુડ્ઝ ટ્રેનની અફડેફેટે આવી ગયો હતો. જેમાં ઈમામના પગ કપાઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાને નજરો જોનારા તેના મિત્રોએ ઈમામ વિષે તેમના ઘરે જાણ કરતાં ભાગદોડ મચી ગઈ હતી. ઈમામને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઈમામના બનેવી હુસેન શમથ પઠાણએ જણાવ્યું હતું કે, ઈમામના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઈમામ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પાંચ રૂપિયાની પતંગ પકડવાની લ્હાયમાં ઈમામએ બન્ને પગ ગુમાવવા પડ્યાં છે. એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા સિવિલના ડોક્ટરોએ તૈયારી દર્શાવી છે. જો કે હાલ પણ ઈમામની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.