Western Times News

Gujarati News

પતિએ કસ્ટડીમાં આરોપી પત્ની સાથે કલાકો પસાર કર્યા

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં સાસુ સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવીને તેમની હત્યા કરનારી વહુ જેલના સળીયા પાછળ છે. ત્યારે તેનો પતિ તેને મળવા માટે પહોંચ્યો હતો અને બંનેએ કલાકો સાથે પસાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી વહુ છ અઠવાડિયાની ગર્ભવતી છે. ફરિયાદી દિપક અને નિકિતા અગ્રવાલ (આરોપી) વચ્ચે થયેલી મુલાકાતના સાક્ષી બનનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘નિકિતા જ્યારે કસ્ટડીમાં હતી, ત્યારે તેઓ બંને ૧૦ મહિનાના લગ્નજીવનમાં આવેલી આ કાયદાકીય અડચણનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ત્યારે તેમણે બેથી ત્રણ કલાક સાથે પસાર કર્યા હતા અને તેમણે જીવનમાં વેઠેલી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી’, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ગોતાના રોયલ હોમ્સ નામના ફ્લેટમાં રહેતી નિકિતાએ (ઉંમર ૨૯ વર્ષ) ૨૭મી ઓક્ટોબરે જ્યારે સળીયાના ઘા મારીને તેની સાસુ રેખા અગ્રવાલની(ઉંમર ૫૨ વર્ષ) હત્યા કરી ત્યારે, દિપક તો ઠીક પરંતુ તેના પોતાના માતા-પિતાએ પણ તેની સાથે વાત નહોતી કરી. ઉલ્ટાનું તેમણે નિકિતાને તેના કૃત્ય બદલ ઠપકો આપ્યો હતો.

અગાઉ નિકિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની સાસુને આશંકા હતી કે તેનું અફેર તેના સસરા સાથે ચાલી રહ્યું છે. નિકિતા પ્રેગ્નેન્ટ હોવાની જાણ થતાં તે બાળક પણ નિકિતાના સસરાનું હોવાની તેની સાસુએ શંકા કરી હતી. નિકિતાએ પોલીસને તેમ પણ કહ્યું હતું કે, તેની સાસુએ તેને લોખંડના સળીયાથી ફટકારવાનો પ્રયાસ કર્યો હતો,

જે તેણે આંચકી લીધો હતો અને તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, દિપક અને નિકિતાના લગ્ન આ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયા હતા. લગ્ન થયા ત્યારથી સાસુ-વહુ વચ્ચે ઘરકામને લઈને નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા. ૨૭મી ઓક્ટોબરે પણ બંને વચ્ચે મોટી બબાલ થઈ હતી. દરરોજના ઝઘડાથી કંટાળેલી નિકિતાએ સાસુ રેખાને પહેલા સળીયાના ઘા મારીને હત્યા કરી હતી અને બાદમાં તેમના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના બાદ નિકિતાએ લગભગ અઢી કલાક સુધી તેના પતિને ઘરથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હોવાની જાણ થતાં દિપક દોડતો-દોડતો ઘરે ગયો હતો. તે ઘરે પહોંચ્યો તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ તે સીડીની મદદથી બાલ્કનીમાંથી ઘરમાં ગયો હતો અને ત્યારે તેને હત્યાની ખબર પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.