Western Times News

Gujarati News

પતિએ ચોથા માળેથી ધક્કો મારીને પત્નીની હત્યા કરી

રાજકોટ: ધોરાજીની ચિસ્તિયા કોલોનીમાં પતિએ પત્નીને ચોથા માળથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલી ચિસ્તિયા કોલોનીમાં સોમવારે ચોથા માળની બાલ્કનીમાંથી પતિએ પત્નીને ધક્કો મારી નીચે ફેંકી દેતા પત્નીનું મૃત્યુ નિપજયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સામેથી ધોરાજી પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. દંપતીના પુત્રની સગાઈ હોવાથી મોટી બસ બાંધવાના મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થતાં પતિએ આ કૃત્યુ કર્યું હોવાનું કબૂલ્યું હતું.

સમગ્ર ઘટના અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા ચિસ્તિયા કોલોનીમાં રહેતા ઈમ્યિયાઝ દલાલ છેલ્લા પાંચ વર્ષથી દુબઈ ખાતે રહેતા હતા. જાે કે, છેલ્લા ૫ મહિનાથી ધોરાજી ખાતે પોતાની પત્ની જિનતબેન અને બાળકો સાથે રહી છૂટક કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતાં. તાજેતરમાં તેમનાં મોટા દીકરાની સગાઈ નક્કી થવાની હોવાથી પ્રસંગમાં મોટી બસ બાંધવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

આ ઝગડામાં ઉશ્કેરાયેલા ઈમ્તિયાઝે ઘરના ચોથા માળે બાલ્કનીમાં હેન્ડ્‌સ ફ્રી ભરાવીને ગીતો સાંભળતી પત્ની જિનતબેનને ધક્કો મારી દેતા જિનતબેન નીચે પટકાયા હતા. આ જાેઈએ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પત્નીની હત્યા કર્યા બાદ પતિ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, જિનતબેન અને ઈમ્તિયાઝના પુત્રની ૨૯ જુલાઈના રોજ સગાઈ હતી. બહાર જવાનું હોવાથી જિનતબેનના ભાઈ જાકીર સિદ્દીકીએ બસ ભાડે કરી આપી હતી.

આ વાતથી ઈમ્તિયાઝ રોષે ભરાયા હતા.અને પોતે બસની વ્યવસ્થા કરી શકવા સક્ષમ હોવાનું જણાવી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ મુદ્દે બને વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. દરમિયાન ગતરોજ પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવી પત્ની જિનતબેનને ઘરના ચોથા માળે બાલ્કનીમાંથી ધક્કો માર્યો હતો. જેથી નીચે પટકાતા જિનતબેનનું કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.