Western Times News

Gujarati News

પતિએ પત્નીને ગર્ભ પડાવી દેતા ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ, શહેરમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીને તેનાથી ઓછી ઉંમરવાળા યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડ્યું છે. યુવતી જ્યારે કોમ્પ્યુટર કલાસીસ ચલાવતી હતી ત્યારે ત્યાં આ યુવક આવતો હતો. બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ પરિવારની વિરુદ્ધ જઈને આ લગ્ન કર્યા હતા. યુવતી સાસરે રહેવા ગઈ બાદમાં તેને સાસરિયાઓનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. આટલું જ નહીં યુવતીને ગર્ભ રહેતા સાસરિયાઓ એ ગર્ભ રાખવાની ના પાડતા તેના પતિએ તેને ગોળીઓ ખવડાવી ગર્ભ રાખવા દીધો નહોતો. આખરે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય યુવતી વર્ષ ૨૦૧૬થી કલાપી નગર ખાતે કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે. આ સાથે વસ્ત્રાલ ખાતે આવેલી એક કોલેજમાં અભ્યાસ કરે છે. ૨૦૧૭માં તેના કોમ્પ્યુટર ક્લાસીસમાં એક યુવક સિવિલ એન્જિનિયરિંગના ક્લાસીસ લેવા માટે આવતો હતો. જે દરમિયાન આ યુવતી અને યુવક ને મુલાકાત થઈ હતી. બાદમાં બંને વચ્ચે સંપર્ક વધતા બન્ને એક બીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બંને વચ્ચે વાતચીત થતી હતી ત્યારે બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બાદમાં બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ યુવતીના પરિવારજનોને તેણે જાણ કરતા તેના માતા પિતાએ લગ્ન કરવાની ના પાડી હતી અને યુવકના ઘરવાળા પણ લગ્ન બાબતે સંમત થયા નહોતા. જેથી બંને વર્ષ ૨૦૨૦માં ભાગી ગયા હતા અને ખાનપુર ખાતે એકબીજા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ આ યુવતી તેના પતિના ઘરે રહેવા ગઈ હતી. લગ્નના ૧૫ દિવસ બાદ યુવતીએ કોમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કરવાનું કહેતા સાસરિયાઓને તેનું કામ કરવાનું પસંદ ન હોવાથી કામકાજ કરવાની ના પાડી દીધી હતી. જાે કે પ્રેમલગ્ન કર્યા હોવાથી ઘરના કામકાજ તથા અન્ય નાની બાબતોને લઈને સાસરિયાઓ ત્રાસ આપતા તે આ યુવતી સહન કરતી હતી. એટલું જ નહીં યુવતીની નણંદ યુવતીના પતિને ચઢામણી કરતી અને કહેતી કે “તારી વહુ ઘરમાં કંઈ કામ કરતી નથી ને આખો દિવસ બેસી રહે છે તે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તારી વહુ કરિયાવરમાં પણ કઈ લાવી નથી”. આટલું જ નહીં યુવતીની સાસુ તથા નણંદ તેના પતિને તેના વિરુદ્ધ ચડાવતાં જેથી તેનો પતિ પણ તેની સાથે અવારનવાર બોલાચાલી ઝઘડો કરતો હતો.

ત્યારે આ યુવતીની સાસુ તેને કહેતી કે મેં મારા દીકરાને ભણાવીને સિવિલ એન્જિનિયર બનાવ્યો અને તે તેને તારા પ્રેમમાં ફસાવી પ્રેમ લગ્ન કરી લીધા છે, મારે તો સરકારી નોકરી કરતી વહુ લાવવાની હતી.” યુવતીની નણંદ પણ તે મારા ભાઈને ફસાવીને પ્રેમ લગ્ન કર્યા હોવાથી તારે અમારા ઘરે રહેવાનું નથી અને તારા પતિ સાથે ઘરની બહાર નીકળી જા તેવી ધમકી આપતી હતી.

જાે કે પોતાનું લગ્નજીવન બચાવવા માટે યુવતી આ તમામ પ્રકારના ત્રાસ સહન કરતી હતી અને કોઈ ફરિયાદ કરી ન હતી. યુવતી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતી હોવાથી તેની તમામ આવક તેનો પતિ ઘર ચલાવવાના નામે મેળવી લેતો હતો. યુવતીના પતિની ઉંમર તેના કરતાં નાની હોવાથી યુવતીના સાસરિયાઓ તેના પતિને ચડામણી કરતા હતા. જેથી યુવતીનો પતિ તેની સાથે બીભત્સ શબ્દ બોલી તેની સાથે મારઝૂડ કરતો હતો અને “હું તારી સાથે પ્રેમલગ્ન કરીને પસ્તાઇ ગયો છું મને તો તારા કરતાં પણ સારી છોકરી મળી જશે મારે તારૂ કોઈ કામ નથી” એવું કહીને તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો.

વર્ષ ૨૦૨૦માં આ યુવતી ગર્ભવતી થતાં સાસરિયાઓએ આ બાળક હાલમાં જાેઈતું નથી તું બાળક ના રહે તેની દવા લઈ લે તેમ કહેતા યુવતીના પતિએ બાળક રહે નહિ તેની દવા ખવડાવી હતી અને સાસરિયાઓએ અવારનવાર ઘરમાંથી ચાલ્યા જવાનું કહેતા વર્ષ ૨૦૨૧ માં તેને પહેરેલા કપડે સાસરિયામાંથી કાઢી મુકી હતી. યુવતીએ તેના માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન કર્યા હોવાથી તેઓ તેને સ્વીકારવા તૈયાર ન હોવાથી શરૂઆતમાં તે તેની બહેનપણીની સાથે રહેતી હતી. બાદમાં એકાદ મહિના સુધી રાહ જાેઈ છતાં પણ તેના સાસરિયાઓએ તેને લેવા આવ્યા ન હતા. જેથી યુવતીએ તેના પતિને ફોન કરતા તેનો પતિ જ કહેતો કે તારે પરત આવું હોય તો આવી જા પરંતુ અમારા ઘરમાં અમે કહીએ તેમ તારે કરવાનું છે તારું કીધું કઈ જ નહીં થાય અને પરત ના આવવું હોય તો છૂટાછેડા આપી દેજે. જેથી સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ તેની સાસુ નણંદ તથા સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.