પતિએ વીજબિલ ન ભર્યુ તો કનેકશન કપાયુ, ઉશ્કેરાયેલા પત્નિએ દસ્તા વડે પતિને ફટકાર્યો!
દિકરીએ પણ પિતાને ધોકાથી માર માર્યોઃનરોડા પોલીસ મથકમાં પત્ની-દિકરી સામે ફરીયાદ |
(એજન્સી) અમદાવાદ : સમયસર વીજબિલ ન ભરતાર કનેકશન કપાઈ ગયુ હતુ. તેથી ગઈ મોડી રાત્રે આ મામલે પત્ની સાથે પતિને તકરાર થઈ હતી. ઉશ્કેરાયેલી પત્નીએ પતિને દસ્તા વડે ફટકારતા તને માથામાં સાત ટાંકા આવ્યા હતા. ઉપરાંત, દિકરીએ પણ કપડાં ધોવાના ધોકાથી પિતા પર હુમલો કર્યો હતો. આ મામલે પતિએ પત્ની અને દિકરી સામે નરોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. નરોડા સંજય પાર્ક સોસાયટી ખાતે ભૂપેન્દ્ર બાબુલાલ લેઉવા પત્ની અને સંતાન સાથે રહે છે .તેઓ ગાડીમાં એલઈડી બલ્બનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે.
થોડા સમયથી ધંધામાં મંદી હતી. જેથી ચાર મહિનાથી વીજળીનું બિલ ન ભરાતા ઈલેકટ્રીક કંપનીએ વીજ કનેકશન કાપી નાંખ્યુ હતુ. ગઈરાત્રે દોઢ વાગ્યે પત્ની સંગીતા ઉઠી હતી. અને પતિને જગાડીને કહ્યુ હતુ કે તમને કેમ વીજળીનું બિલ ભર્યુ નથી. પતિએ જણાવ્યુ હતુ કે વીજબિલ ભરવા ગયો હતો પરંતુ દેવદિવાળીની રજા હોવાથી ભરાયું નથી.
ત્યારે પત્નીએ જણાવ્યુ હતુ કે પંખો ન થતો હોવાથી મચ્છર કરડે છે. અને ઉંઘ નથી આવતી. પતિએ પત્નીને જણાવ્યુ હતુ કે મચ્છર કરડતા હોય તો મારા રૂમમાં આવી સુઈ જાવ. અથવા કેરોસીન છાંટી પોતા મારો. પતિની આવી વાત સાંભળીને પત્ની સંગીતા ઉશ્કેરાઈ ગઈ હતી અને પતિને ગાળો બોલવા લાગી હતી.
પતિએ ગાળો ન બોલવા જણાવતા તે રસોડામાં જઈ દસ્તો લઈ આવી હતી અને પતિની છાતી પર બેસી જઈ દસ્તાના ચાર-પાંચ ફટકા માથામાં મારી દીધા હતા.
પતિ લોહીલુહાણ થતાં તેને પત્નીને ધક્કો મારતા તે નીચે પડી ગઈ હતી. આ દરમ્યાન પુત્રી ચિત્તલ જાગી ગઈ હતી. અને માતાને નીચે પડેલી જાઈને પિતા પર કપડાં ધોવાના ધોકા વડે માર મારવા લાગી હતી. લોકોએ પતિ-પત્ની-દિકરીને છુટા પાડ્યા હતા.