પતિનાં લાંબા આયુષ્ય માટે પત્ની પ્રાર્થના કરતી હતી ત્યાં જ પતિના મોતનાં સમાચાર આવ્યાં
અમદાવાદ: શહેરમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. એલઆઇસીમાં કામ કરતા કર્મચારીને નોકરીએ જવા માટે બીઆરટીએસ સ્ટેન્ડ પાસે ઉતારીને પત્ની મંદિરે ગઇ હતી. ત્યાં પરિવારનાં સુખ માટે અને પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી તેવામાં જ પરિચીત મહિલાનો આ મહિલા પર ફોન આવ્યો હતો કે, તેમના પતિનો ડમ્પર સાથે અકસ્માત થયો છે અને સારવાર માટે ઇજાગ્રસ્તને સોલા સિવિલ લઇ ગયા હતા. જેથી પત્ની તરત જ ત્યાં ગઇ. જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત થતા પત્ની આઘાતમાં સરી પડી હતી. સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, થલતેજ ગ્રીનવુડ સોસાયટીમાં રહેતા હિનાબહેનના પતિ દિલિપભાઇ પટેલ રિલિફ રોડ પર એલઆઇસીમાં એડમિન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. સોમવારનાં રોજ હિનાબહેન એક્ટિવા પર પતિને બેસાડી સત્તાધાર બીઆરટીએસ બસસ્ટેન્ડ પર મૂકીને તેઓ બેંકમાં અને ત્યારબાદ મંદિરે ગયા હતા.
મંદિરે દર્શન કર્યા અને ભગવાન પાસે પરિવારને સુખી રાખવાની પ્રાર્થના કરી તેઓ ત્યાંથી જતા હતા. ત્યાં જ તેમના પાડોશી પ્રેમિલાબહેનનો ફોન આવ્યો હતો. પ્રેમિલાબહેને કહ્યું કે, ‘તેમના પતિનો અકસ્માત થયો છે અને તેમને સોલા સિવિલમાં લઇ ગયા છે.’ જેથી તેઓ તાત્કાલિક સિવિલ હાસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલ જઇને તપાસ કરી તો તેમના પતિ કોઇ અજાણ્યા એક્ટિવા પર જતા હતા ત્યારે ભુયંગદેવ ચાર રસ્તા પાસે એએમસીનાં કચરાના ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. જેનાથી તેમને માથા તથા શરીરનાં અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી.
હાસ્પિટલમાં સારવાર દરમિયાન દિલિપભાઇનું મોત થતાં પોલીસને જાણ કરાઇ હતી. એ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે. ડમ્પર ચાલક ઘટનાસ્થળે જ ડમ્પર મૂકીને ફરાર થઇ જતા તેને પકડવા પોલીસ કામે લાગી છે.