પતિના અવસાન પછી નીતૂ કપૂર ઘરમાં એકલાં રહે છે
દીકરી રિદ્ધિમા સાસરે રહે છે જ્યારે દીકરો રણબીર મુંબઈમાં ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે રહેતો હોવાની ચર્ચા
મુંબઈ: ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું અવસાન થયું હતું. એ વખતે લોકડાઉન દરમિયાન રિદ્ધિમા કપૂર સહાની મમ્મી નીતૂ કપૂર સાથે રહેવા માટે દિલ્હીથી મુંબઈ આવી હતી. લોકડાઉન દરમિયાન હેલ્ધી ભોજન ખાવાથી માંડીને એકબીજાના વાળ કાપવા સુધી મા-દીકરીએ એકબીજા સાથે બોન્ડિંગ વધાર્યું હતું. ખાસ્સા મહિના સુધી મુંબઈમાં રહ્યા બાદ રિદ્ધિમા દિલ્હી પોતાના ઘરે પરત ફરી હતી. જ્યારે નીતૂ કપૂર મુંબઈમાં એકલા રહેવા લાગ્યા હતા. તેમનો દીકરો રણબીર કપૂર કથિત રીતે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે રહે છે.
હાલમાં જ ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નીતૂ કપૂરે જણાવ્યું છે કે, તેઓ બંને સંતાનો રિદ્ધિમા-રણબીરની સાથે અને તેમના વિના કેવી રીતે સમય પસાર કરે છે. નીતૂએ કહ્યું,”હું ઈચ્છું છું કે તેઓ પોતાની જિંદગીમાં વ્યસ્ત રહે. હું તેમને કહું છું કે તમે મારા દિલમાં રહો, મારા માથે ના ચડશો. મહામારી દરમિયાન રિદ્ધિમા અહીં મારી સાથે હતી ત્યારે તે પોતાના ઘરે પાછી ના જઈ શકતી હોવાથી મને ચિંતા થતી હતી.
હું અધીરી થઈ જતી હતી. હું તેને કહેતી હતી કે તું તારા ઘરે જા કારણકે ભરત ત્યાં એકલો છે. હું તેને સતત મારાથી દૂર જવાનું કહેતી હતી. મને મારી પ્રાઈવસી ગમે છે અને હું આ પ્રકારની જિંદગીથી ટેવાયેલી છું. જ્યારે રણબીર અને રિદ્ધિમા નાના હતા ત્યારે તેઓ અભ્યાસ માટે વિદેશ ગયા એ વખતનો સમય પણ નીતૂ કપૂરે વાગોળ્યો છે. મા તરીકેની પોતાની લાગણીઓ વર્ણવતા પીઢ અભિનેત્રીએ કહ્યું, “મને યાદ છે
જ્યારે રિદ્ધિમા ભણવા માટે લંડન જઈ રહી હતી ત્યારે હું કેટલાય દિવસો સુધી રડતી હતી. લંડન જતા પહેલા રિદ્ધિમાને કોઈ મળવા આવ્યું હોય અને તે ગુડબાય કહે ત્યારે પણ મારી આંખમાંથી આંસુ સરી પડતા હતા. પરંતુ વર્ષો પછી જ્યારે રણબીર ભણવા ગયો ત્યારે હું નહોતી રડી. રણબીરે મને કહ્યું હતું કે, મૉમ તમે મને પ્રેમ નથી કરતા. પરંતુ એવું નહોતું.
રણબીરનો વિદેશ જવાનો સમય આવ્યો ત્યાં સુધી હું આ પ્રકારની જિંદગીથી ટેવાઈ ગઈ હતી. બાળકથી દૂર રહેતા શીખી ગઈ હતી. માટે જ્યારે ફરીવાર આમ થયું ત્યારે હું તૈયાર હતી. મને લાગે છે કે તેઓ વિદેશ હતા ત્યારના સમયે મને મજબૂત બનાવી છે. મને અહેસાસ કરાવ્યો હતો કે હું એકલી રહી શકું છું. સાથે જ તેમણે પોતાની જિંદગીમાં આગળ વધવું પણ જરૂરી છે.