પતિના લફડાની ફરિયાદ કરતા સાસુએ વહુને ધમકાવી
અમદાવાદ: શહેરના નરોડામાં રહેતી એક યુવતીને સાસરિયાઓનો કડવો અનુભવ થયો છે. લગ્ન બાદ તેનો પતિ અનેક યુવતીઓને કુંવારો હોવાનું કહીને લફડા કરતો હતો. જે બાબતની જાણ થતા જ પરિણીતાએ તેના સાસુ સસરાને આ જાણ કરી હતી.
સાસુએ પોતાના પુત્રને સમજાવવાના બદલે પુત્રવધુને કહ્યું કે, તે તો સત્તર રાખે, તું રાણીની જેમ રહે ને, એતો ગમે ત્યાં જાય પણ પાછો તારી પાસે જ આવશે. આટલું જ નહીં દિયર પણ પરિણીતાને આ પ્રકારની વાતો કરી ત્રાસ આપતા આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ આપતા હવે મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે. નરોડામાં રહેતી ૨૬ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૧૬માં લગ્ન થયા હતા.
બાદમાં તે ગોતા ખાતે તેના સાસરે રહેવા ગઈ હતી. સાસરે પતિ, સાસુ, સસરા અને દિયર સાથે રહેતી હતી. થોડા સમય પહેલા તેને પુત્રીને જન્મ આપ્યો હતો જે હાલ દોઢ વર્ષની છે. લગ્નના થોડા સમય બાદ આ યુવતીને જાણ થઈ કે તેનો પતિ કુંવારો હોવાનું જણાવી અનેક યુવતીઓ સાથે આડા સંબંધો રાખતો હતો. અનેક યુવતીઓ સાથે ફોન અને મેસેજથી સોશ્યલ મીડિયા પર પણ વાત કરતો હતો. આ બાબતે યુવતી કંઈ કહે તો તેને ધમકાવતો હતો. મહિલાએ આ અંગેની જાણ તેના સાસુ અને સસરાને કરી હતી
ત્યારે તેઓએ કહ્યું કે તારે શું, તે તો સત્તર રાખે, તું રાણીની જેમ રહે ને, એતો ગમે ત્યાં જાય પણ પાછો તારી પાસે જ આવશે”. આટલું જ નહીં જ્યારે યુવતી ગર્ભવતી હતી ત્યારે કોઈ ખર્ચ પણ તેના સાસરિયાઓ કરતા નહિ અને તેનો દિયર એવું કહેતો કે “ભાઈ બીજે ડાફોળીયા મારે છે તો તું શું કામ અહીં પડી છે જતી રહે ને.
આવા અનેક પ્રકારના ત્રાસ આપ્યા બાદ યુવતીથી સહન ન થતા તેણે પિયરમાં આ વાત કરી હતી. સાસરિયાનો ત્રાસ દિવસેને દિવસે વધતા આ મહિલાએ આ મામલે કંઇ કરવાનો વિચાર કર્યો. જેથી મહિલાએ તેની સાસુ, સસરા, પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી મામલે તપાસ શરૂ કરી છે.