પતિને પહેલી પત્ની સાથે ન ફાવ્યુ તો બીજી લાવી દીધી
અમદાવાદ, શહેરમાં રહેતી એક મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ લગ્ન કર્યા ત્યારથી જ અન્ય સ્ત્રીઓ સાથે પતિ સંબંધ રાખતો હતો. પહેલા એકવાર અન્ય સાથે સંબંધ નહિ રાખે તેમ કહીને પત્ની સાથે રહેવાનું શરૂ કર્યું હતુ.
પણ ફરીવાર બીજી સ્ત્રી સાથે સબંધ રાખ્યો હતો. હદ તો ત્યારે થઈ કે, પતિએ બીજા લગ્ન પણ કરી લીધા હતા. આખરે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના દાણીલીમડામાં રહેતી ૩૬ વર્ષીય મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૯ માં થયા હતા.
લગ્નના ૧૩ વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. પણ બાદમાં બીજી સ્ત્રી સાથે અફેર હોવાની જાણ થતાં મહિલાએ પતિને તે બાબતે પૂછતાં તેણે હવે કોઈ સાથે બહાર સબંધ નહિ રાખે તેમ કહી માફી માંગી રહેવા લાગ્યો હતો. લગ્નના પાંચ વર્ષ બાદ જ કોઈ સાથે અફેર હોવાનું મહિલાએ પૂછતાં પતિએ આ વાતનો ઇન્કાર કરી નાંખ્યો હતો.
પણ ત્રણેક માસ પહેલા ફરી કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની જાણ મહિલાને થઈ હતી. આવા અફેર ન રાખવાનું કહેતા પતિએ બોલાચાલી કરી પત્નીને માર માર્યો હતો. થોડા જ સમયમાં મહિલાને તેની નણંદે આવીને કહ્યું કે, મારા ભાઈએ બીજા લગ્ન કરી લીધા છે તું છૂટાછેડા લઈ લે.
બાદમાં બીજા દિવસે પતિ સાથે આ મહિલા હતી ત્યારે કોઈ સ્ત્રીનો ફોન આવતા મહિલાએ પૂછ્યું તો પતિએ કહ્યું કે, બીજી પત્નીનો ફોન હતો. મહિલાએ એવું ન કરવા કહેતા પતિએ કહ્યું કે હું, તેની સાથે વાત પણ કરીશ અને રહીશ પણ ખરો તેમ કહી માર માર્યો હતો.
બાદમાં નણંદોએ પણ આવીને મહિલા સાથે બબાલ કરી અને મારઝૂડ કરી હતી. આટલું જ નહીં પતિએ મહિલાને કહ્યું કે. બીજી પત્ની સાથે સંબંધ રાખીશ તારે રહેવું હોય તો રહે. જેથી કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS