પતિ અને સંતાનોનાં મૃત્યુનો આઘાત સહન ન થતાં મહિલાએ જીવન ટુંકાવ્યું
પતિ અને દિયરે ચાર સંતાનો સાથે બે મહિના અગાઉ જ આપઘાત કર્યો હતો : હાથીજણની ઘટના
અમદાવાદ: વટવામાં બે મહિના અગાઉ દેવું થઈ જતા બે ભાઈઓએ તેમના ચાર સંતાનો સાથે આપઘાત કરી લેવાની કરૂણ ઘટના બની હતી. જેને પગલે અરેરાટી ફેલાઈ હતી. આ બે ભાઈઓ પૈકી એકની પત્નીએ પોતાનાં સંતાનોનો વિરહ સહન ન થતાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતાં વધુ એક કરૂણ ઘટના બની છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આશરે બે મહિના શહેરનાં વટવા વિસ્તારમાં આવેલાં એક મકાનમાં અમરીશભાઈ પટેલ તથા ગૌરાંગભાઈ પટેલ નામનાં બે સગા ભાઈઓએ તેમનાં ચાર સંતાનો સાથે આપઘાત કર્યો હતો. આ સામુહિક ઘટનાને પગલે ચકચાર મચી હતી. તપાસમાં બન્ને ભાઈઓ માથે દેવું થઈ ગયું હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટના હજી તાજી જ છે. ત્યાં તેમના અન્ય મકાન હાથીજણ, પટેલ વાસ, મહાદેવ મંદિર નજીકમાં રહેતી દેરાણી હેતલબેન તથા જેઠાણી જ્યોત્સનાબેન પૈકી જ્યોત્સનાબહેને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ અંગે વાત કરતાં પી.એસ.આઈ. આર.બી. રાણાએ જણાવ્યું હતું કે ર૦ તારીખે બપોરે હેતલબેન કોઈ કામસર બહાર ગયા હતા.
જ્યોત્સનાબહેન ઘરે એકલાં હતા ત્યારે તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જાણ કરવામાં આવતાં વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં મૃતક જ્યોત્સનાબેને લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પતિ તથા બાળકોના મૃત્યુ બાદ તેમના વગર રહેવાતું ન હોઈ પોતે આત્મહત્યા કરતાં હોવાનું લખ્યું હતું. પોલીસે આ અંગે હેતલબેન તથા અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. બે ભાઈઓ તથા ચાર સંતાનો બાદ વધુ એક આપઘાતનો બનાવ બનતાં પરિવાર શોકમગ્ન થઈ ગયોછે. જ્યારે આસપાસનાં રહીશોને પણ આઘાત લાગ્યો છે.