પતિ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડતા પત્નીએ ફરિયાદ નોંધાવી
અમદાવાદ, શહેરમાં ફરી એક વાર પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પતિ વ્યસ્ત હોવાથી યુવતીને શંકા જતા મોબાઈલ થકી જાણવા મળ્યું કે, તે અન્ય સ્ત્રીના પ્રેમમાં છે. જેથી આ સબન્ધ પૂર્ણ કરવા કહેતા પતિ ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગ્યો હતો. અને વધુમાં તેણે પ્રેમિકા સાથે દુબઇ જતા રહેવાની ધમકી આપી હતી.
એક દિવસ પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ લઈ પતિ ક્યાંક જતો રહેતા આખરે યુવતીએ પોલીસની મદદ લેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોષ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય યુવતી હાલ તેના પતિ સાસુ સસરા અને બે સંતાન સાથે રહે છે. યુવતીએ વર્ષ ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા.
બાદમાં પતિ સાથે મણિનગર ખાતે રહેવા ગઈ હતી અને વર્ષ ૨૦૧૮ માં નવરંગપુરા ખાતે રહેવા આવી હતી. બેએક વર્ષ પહેલાં યુવતીનો પતિ ફોનમાં સતત વ્યસ્ત રહેતો હતો. સાથે જ વટવા જીઆઈડીસી ખાતે આવેલી ફેક્ટરીએ જાય તો ત્યાં મિટિંગ હોવાનું કહી તે ઘરે પણ મોડો આવતો હતો. યુવતીને શંકા જતા તેણે પતિનો ફોન જાેયો તો તેમાં તેને અન્ય સ્ત્રી સાથે તેના પતિને સબન્ધ હોવાની જાણ થઈ હતી.
જેથી યુવતીએ પતિને આ અન્ય સંબંધો મૂકી દેવા જણાવતા પતિએ સબન્ધ પુરા કરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. ફરીથી બેએક માસ પહેલા તેનો પતિ ફોનમાં વ્યસ્ત રહેતા અને મિટિંગના બહાના કાઢી વ્યસ્ત રહેતા યુવતીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, ફરી તેણે તે સ્ત્રી સાથે સબંધ છે.
જેથી ફરીથી આ સબન્ધ મૂકી દેવા જણાવતા ડિવોર્સ આપવાનું કહી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગ્યો હતો. બાદમાં પતિએ ધમકી આપી કે જાે તું મને આ સબન્ધ મૂકી દેવા કહીશ તો પ્રેમિકા સાથે દુબઇ જતો રહીશ.
આ વાતો વચ્ચે એક દિવસ પતિ ઘરે આવ્યોને પાસપોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ લઈને જતો રહ્યો હતો. જે બાબતે યુવતીએ સાસુ સસરાને જાણ કરી હતી. આ દિવસથી આજ દિન સુધી પતિનો કોઈ પતો ન લાગતા આખરે પતિ સામે યુવતીએ ફરીયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.SSS