પતિ કર્ફ્યુમાં ફરવા ન લઈ જતા પત્નીએ ઓલઆઉટ પી લીધું
રાજકોટ, રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થર્ટી ફર્સ્ટની રાત્રીએ પતિ ફરવા ન લઈ જતા પત્નીએ ઓલઆઉટ પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પરિણીતાને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળેલી વિગત મુજબ પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના પરસાણા નગરમાં રહેતા જ્યોતિબેન રવિભાઈ ધાવરી નામની પરિણીતાને પતિ થર્ટી ફર્સ્ટની રાત્રીએ બહાર ન લઈ જતા ઓલઆઉટ પી લીધું હોવાનું સામે આવ્યું છે.
ઓલઆઉટ પી લેતા સારવાર અર્થે પરિણીતાને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે મહિલાએ ઓલઆઉટ પી લીધા હોવાની એન્ટ્રી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ચોકીમાં નોંધાઇ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવી હતી.
ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના જણાવ્યા પ્રમાણે થર્ટી ફર્સ્ટ વર્ષનો છેલ્લો દિવસ હોય તેથી પતિને બાળકો સહિત બહાર ફરવા લઈ જવાનું કહ્યું હતું. પરંતુ પતિએ કહ્યું હતું કે બહાર પોલીસનો રાત્રી કર્ફ્યૂ હોવાના કારણે પકડે છે.
તેથી આપણે બહાર જવું નથી. જે સંદર્ભે લાગી આવતા પત્નીએ આ પગલું ભરી લીધું છે. જ્યારે અન્ય એક બનાવમાં પરસાણા નગર શેરી નંબર ૯ માં રહેતા ભારતીબેન સોલંકી નામની ૨૮ વર્ષીય પરિણીતાએ રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતાં તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થર્ટી ફર્સ્ટની રાત્રીએ કર્ફ્યુંના સમયમાં લોકો બિનજરૂરી જાહેર માર્ગો પર ન નીકળે તેના માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી હતી. જે સંદર્ભે પ્રોહીબીશન તેમજ રાત્રી કર્ફ્યૂ ભંગના ગુનામાં પોલીસે કુલ ૬૮ જેટલા લોકો સામે કાર્યવાહી પણ કરી હતી.SSS