પતિ ક્રિકેટના સટ્ટામાં ઝડપાયો તો પત્ની પોલીસ સ્ટેશનમાંથી મોબાઇલ ફોન ચોરી ગઈ
અમદાવાદ, શહેરમાં સામાન્ય ચોરીના કિસ્સા તો બનતા જ રહે છે, પરંતુ કોઈ એવું કહે કે પોલીસ સ્ટેશનમાં ચોરીનો બનાવ બન્યો છે તો ચોક્કસ નવાઈ લાગે.
અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં આવો જ એક બનાવ બન્યો છે. પાલડીમાં સ્થાનિક પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે ક્રિકેટ સટ્ટા બેટિંગનો ગુનો દાખલ કરી મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે લીધા હતા. જે પૈકી એક મોબાઈલ મહિલા આરોપી પોલીસ ચોકીમાંથી લઈને જતી રહેતાં પોલીસે મહિલા સામે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે પોલીસે પાલડી ભઠ્ઠા અવનિ એપાર્ટમેન્ટમાં તપાસ કરતા સિદ્ધિબેન ધાર્મિકભાઈ શાહ અને તેમના પતિ ધાર્મિક શાહ વિરુદ્ધ પાલડી પોલીસે ક્રિકેટના સટ્ટાનો ગુનો દાખલ કરી સ્થળ પરથી બે મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કર્યા હતા. દરમિયાન પોલીસે સિદ્ધિબેનને નોટિસ આપી ફતેહપુરા ચોકી પર બોલાવ્યા હતા.
તે વખતે એક ફોનમાં ચાર્જિંગ ન હોવાથી ચાર્જિંગમાં મૂક્યો હતો. સિદ્ધિબેન શાહ તેમના સંબંધી સાથે ચોકીમાં આવ્યા હતા અને તેમના ફોનની માંગણી કરી હતી.
પોલીસે તેમને ફોન મેળવવા કોર્ટમાં અરજી કરવાનુ કહ્યું હતું. આ સમયે વાતચીત દરમિયાન ચાર્જિંગમાં મૂકેલો ફોન તેઓ ચોરી ગયા હતા. સિદ્ધિ શાહ નામની આ મહિલા પોલીસ સાથે ઉતાવળમાં વાતચીત કરી ત્યાંથી જતી રહી હતી. બાદમાં પોલીસને ચાર્જિંગમાં રાખેલો ફોન મળી આવ્યો નહોતો. સિદ્ધિબેને આ ફોન લઈ ગયા હોવાનું જણાતા પોલીસે સિદ્ધિ ધાર્મિક શાહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં આ રીતે ચોરીના કિસ્સા બન્યા હતા. આ કિસ્સામાં પોલીસની પણ ક્યાંક બેદરકારી ગણી જે તે વખતે હાજર પોલીસકર્મીઓ કે અધિકારીઓ સામે ઇન્કવાયરી કે તપાસ થશે કે કેમ તે પણ એક સવાલ છે.
સાથે જ જુગારની બાતમી પણ અન્ય એજન્સીઓએ આપતા પોલીસને કાર્યવાહી કરવી પડી હતી. હવે આ પ્રકારની ઘટના બનતા પોલીસ સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.SS1MS