પતિ ચારિત્ર્ય ઉપર શંકા રાખી મારઝુડ કરતાં પત્નીએ ઝેર પીધું
અમરાઈવાડીની ઘટનાઃ પતિએ પોતાની પાસે વીડિયો હોવાના આક્ષેપ કરતાં મહિલાને લાગી આવ્યું |
અમદાવાદ : શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં પતિએ પત્નીના ચારીત્ર્ય ઉપર શંકા રાખી વારંવાર ઝઘડા કરતાં પત્નીને લાગી આવ્યું હતું. જેનાં પગલે પત્નીએ ઘરમાં પડેલી ઘણી દવાઓ એક સાથે ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો.
ભગવતીબેન મોતીલાલ રેંગર (સંખલપુરની ચાલી, સંજય ચોક પાસે, ભિલવાડા, અમરાઈવાડી)નાં લગ્ન મોતીલાલ સાથે ૨૦૦૪માં થયા હતા. શરૂઆતનાં સમય બાદ ધીમે ધીમે મોતીલાલ ભગવતીબેનનાં ચારીત્ર્ય પર શંકા રાખીને મારઝુડ કરવા લાગ્યા હતાં. જાકે પોતાનો ઘરસંસાર ન બગડે એ માટે ભગવતીબેન વધઉ સહન કરતાં હતાં. સોમવારે સવારે ફરી મોતીલાલ દારૂ પીને આવ્યા હતા અને ભગવતીબેન શંકા કરી તે પરપુરૂષ સાથે હોવાનો આક્ષેપો કર્યા હતા. ઊપરાંત પોતાની પાસે તેનાં વીડિયો હોવાનું પણ કહ્યું હતું. બાદમાં તેમને ઢોર માર મારીને મોતીલાલ જતાં રહ્યા હતાં.
રોજ રોજનાં ઝઘડાથી ત્રાસી ગયેલાં ભગવતીબેનને લાગી આવતાં તેમણે ઘરમાં પડેલી ઝેરી દવા ખાઈ લીધી હતી. તેમની તબિયત લથડતાં દિકરા રાહુલે તેમની માતાને જાણ કરી હતી. જેથી પરીવારજનો ભગવતીબેનને સિવિલ ખાતે સારવાર માટે લઈ ગયા હતાં.
શહેરમાં અવાર નવાર આવી ઘટનાઓ બનતી હોય છે. જેમાં મહિલાઓને સાસરીયા દ્વારા માનસીક અને શારીરીક રીતે પરેશાન કરવામાં આવે છે પરંતુ ઘર સંસાર ટકાવી રાખવા સહન કરી રહ્યા છે અને છેવટે ત્રાસ હદબહાર જતાં કયારેક જીવન ટુંકાવા જેવા પગલાં ભરવા મજબૂર બને છે.