પતિ નહીં આવે તો પુત્રી સાથે કેનાલમાં આત્મહત્યા કરીશ
બનાસકાંઠા: અમદાવાદમાં એક યુવતીએ તેના પતિને પાછો મેળવવા માટે એક વિડીયો સોશ્યલ વાયરલ કર્યો છે. જેમાં પ્રેમ લગ્ન કર્યાના ૬ વર્ષ બાદ યુવકના પરિવારજનો તેના પતિને લઈ ગયા હોવાની પોલીસ મથકે અરજી કરી છે અને જાે તેનો પતિ ૨૪ કલાકમાં નહીં આવે તો પોતાના બાળક સાથે કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદમાં સસરિયાઓના ચૂંગલમાંથી પોતાના પતિને પાછા મેળવવા માટે પત્નીએ સોશિયલ મીડિયામાં આજીજી કરતો વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
જેમાં અમદાવાદના બાપુનગર ખાતે રહેતા રેખાબેન ચૌધરીએ થરાદના આજાવાડાના પ્રકાશ ચૌધરી નામના યુવક સાથે ૬ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા, તેમને દાંપત્યજીવન દરમ્યાન એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી અને તેમના પતિ બાપુનગર ખાતે એક દુકાનમાં નોકરી કરતા હતા. જાેકે રેખાબેનના સસરિયાઓ આ લગ્નથી રાજી ન હતા, જે દરમિયાન ત્રણ દિવસ અગાઉ રેખાબેનના સાસરીયા તેમના પતિને નોકરીના સ્થળેથી બારોબાર લઈ ગયા હતા.
જે માહિતી મળતા જ રેખાબેન તરત જ બાપુનગર અને થરાદ પોલીસ મથકે અરજી કરી હતી. પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ત્રણ દિવસ સુધી તેમના પતિનો કોઇ જ પતો ન મળતા અને ફોન ન આવતા અને તેનો મોબાઈલ ફોન બંધ હોવાના કારણે રક્ષાબેન હવે પડી ભાંગ્યા હતા અને પોતાના પતિને પાછા મેળવવા માટે હવે તેઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે રડતા-રડતા પોતાના પતિને સાસરીયાઓના ચૂંગલમાંથી છોડાવવા માટે આજીજી કરી છે અને ૨૪ કલાકમાં તેમનો પતિ પાછો નહીં આવે તો પોતાની પુત્રી સાથે કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.