પતિ-પત્ની ઉપર પાવડા વડે પાડોશી શખ્સનો હુમલો
સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યા
(એજન્સી)ગાંધીનગર , ગાંધીનગર શહેર નજીક આવેલા બોરીજમાં તું મારા પરિવાર સાથે કેમ માથાકૂટ કરે છે તેમ કહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનને પાડોશી શખ્સ દ્વારા પાવડા વડે હુમલો કરીને ઘાયલ કરવામાં આવ્યો હતો. જ્યારે વચ્ચે પડેલી તેની પત્નીને પણ માર માર્યો હતો. આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા બોરીજમાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ખાનગી સિક્યુરિટીમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ પવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત શુક્રવારે બપોરના સમયે તેઓ ફ્લેટની ગેલેરીમાં ઊભા હતા તે સમયે ફ્લેટની નીચે લાલા ઠાકોર નામના વ્યક્તિએ નીચે બોલાવ્યો હોવાથી તે નીચે ગયા હતા અને આ દરમિયાન લાલા ઠાકોરે કહ્યું હતું કે,
તે શું ધાર્યું છે તું કેમ મારા પરિવાર સાથે માથાકૂટ કરે છે. જેના પગલે જીતેન્દ્રસિંહએ કહ્યું હતું કે, તમારી દીકરી મારી પત્નીને ગમે તે રીતે ચિડાવે છે તમારી પત્ની અને દીકરીને સમજાવી દો, તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા બાજુમાં પડેલા પાવડા વડે માથામાં હુમલો કરી દીધો હતો અને લોહી નીકળવા લાગ્યું હતું.
ત્યારબાદ તેમની પત્ની જયાબા વચ્ચે પડતા તેમની ઉપર પણ પાવડા વડે હુમલો કરી દીધો હતો આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવતા તેણે આજે તો જવા દઉં છું હવે તું મને મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ઘાયલ જીતેન્દ્રસિંહને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમની ફરિયાદના આધારે સેક્ટર-૨૧ પોલીસ દ્વારા લાલા ઠાકોર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.