પતિ સાથે થયેલા ઝઘડાના લીધે પત્નીએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી

Files Photo
નવીદિલ્હી: દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં એક મહિલાએ તેના ૧૧ મહિનાના બાળકનું ગળુ દબાવીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના પાછળનું કારણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો હોવાનું મનાય છે. દક્ષિણ દિલ્હીના ડીસીપી અતુલ ઠાકુરના જણાવ્યા અનુસાર ૯ જુલાઈની સાંજે માહિતી મળી હતી કે ડેરા ગામમાં ૧૧ મહિનાના બાળકની હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બાળક હોસ્પિટલ પહોચાડવામાં આવ્યું ,ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.
પોલીસની પૂછપરછ કરતા બંને પતિ-પત્ની એકબીજા પર બાળકની હત્યા કરવાનો આરોપ લગાવી રહ્યા હતા. પરંતુ જ્યારે પોલીસે સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને કેટલાક લોકોની પૂછપરછ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે બાળકની માતા ૨૬ વર્ષીય જ્યોતિએ ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપી માતાએ જણાવ્યું હતું કે તેણી અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. ૯ જુલાઇએ બાળકને તાવ આવ્યો હતો, પરંતુ તેના પતિએ બાળકને હોસ્પિટલમાં લઈ જવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેણે બાળકનું ગળું દબાવી હત્યા કરી હતી.પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.