Western Times News

Gujarati News

પતિ સાથે ન ફાવતાં ઉડુપીથી પ્રેમી સાથે મહિલા ભાગી

વડોદરા: એર્નાકુલમ નિઝામુદ્દીન એક્સપ્રેસ વડોદરા રેલવે સ્ટેશન પર નિશ્ચિત હોલ્ટિંગ ટાઈમ કરતાં થોડી વધુ મિનિટો ઊભી રહી ત્યારે તેમાં બેઠેલા મુસાફરો આશ્ચર્યમાં મૂકાયા હતા. થોડી જ ક્ષણોમાં રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમ એક કોચમાંથી બીજા કોચમાં તપાસ માટે આંટા મારવા લાગી ત્યારે શું થઈ રહ્યું છે તે જાણવા મુસાફરોની આતુરતા ઓર વધી હતી. આ ઘટના મંગળવાર સાંજની છે.

૧૫ મિનિટની અંદર જ આરપીએફની ટીમે એસ૬ કોચમાં બેસીને મુસાફરી કરી રહેલા એક પુરુષ અને એક મહિલાને ઝડપી પાડ્યા હતા અને તેમને ટ્રેનમાંથી ઊતરી જવાની સૂચના આપી હતી. કર્ણાટકના ઉડુપી જિલ્લામાં મહિલા માટે ખોવાયેલ વ્યક્તિની ફરિયાદ નોંધાવાઈ હતી. મહિલા પોતાના ઘરેથી ગુમ થયા બાદ પતિ અજીત પૂજારીએ આ ફરિયાદ નોંધાવી હતી, તેમ વડોદરા આરપીએફના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ધર્મેન્દ્ર ગુરિયાણીએ જણાવ્યું. અમને જાણકારી મળી કે મહિલા એર્નાકુલમ-નિઝામુદ્દીન સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં બેઠી છે અને આ ટ્રેનના સ્ટોપ પણ ખૂબ ઓછા છે.

જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર ઊભી રહી ત્યારે અમે દરેક કોચમાં તપાસ કરી અને આખરે મહિલા અને તેનો પ્રેમી ગફર હસરત અલી ચૌધરી મળી આવ્યા હતા. અમે સત્તાધીશોને વિનંતી કરી હતી કે ટ્રેનનો હોલ્ટ થોડો વધુ સમય લંબાવવામાં આવી જેથી અમે સર્ચ ઓપરેશન હાથ ધરી શકીએ” તેમ ધર્મેન્દ્ર ગુરિયાણીએ જણાવ્યું હતુ. ગુરિયાણીના કહેવા મુજબ મહિલા પોતાના લગ્નજીવનમાં ખુશ નહોતી અને તે પોતાના પ્રેમી ગફર સાથે ભાગીને ઉત્તરપ્રદેશ જઈ રહી હતી. બુધવારે ઉડુપી પોલીસ વડોદરા આવતાં આ બંનેને તેમને સોંપી દેવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.