પતિ હોળીમાં ચણા મૂકવાનું ભૂલી જતા પતિએ લોખંડની કોશના ઘા ફટકારી પત્નીને પતાવી દીધી
(હિ.મી.એ),રાજકોટ, હોળીની રાતે કસ્તુરબાધામ ત્રંબામાં મૂળ છોટાઉદેપુરના શખ્સે પોતાની જ પત્નીને માથામાં લોખંડની કોશના ત્રણ ઘા ફટકારી ખાટલામાં જ મોતને ઘાટ ઉતારી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આજીડેમ પોલીસે વાડી માલિકની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપી પતિને દબોચી લીધો છે.
તેણે કબુલાત આપી હતી કે અમે વાડીના રૂમ આગળ નાનકડી હોળી બનાવી હતી. જેમાં હું ચણા નાખવાનું ભૂલી જતાં મારી ઘરવાળીએ ‘શું કામ ચણા ન નાંખ્યા’ તેવું કહીને ખુબ ઝઘડો કરતાં મને ખાર ચડતાં રૂમમાં પડેલી લોખંડની કોશના ઘા ફટકારી ઢાળી દીધી હતી.
આજીડેમ પોલીસે આ બનાવમાં કસ્તુરબાધામ ત્રંબા ખાતે રહેતાં વાડી માલિક ધર્મેશભાઇ કરસનભાઇ ટીંબડીયાની ફરિયાદ પરથી તેની જ વાડીમાં રહી ખેત મજૂરી કરતાં હત્યાનો ભોગ બનેલી ઇલમાના પતિ મનકર નાનજીભાઇ રાઠવા સામે હત્યા કરવાનો ગુનો નોંધ્યો છે.
ધર્મેશભાઇ ટીંબડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ત્રંબામાં બાલાજી રેસ્ટોરન્ટ પાસે રહુ છું અને ખેતી કરી ગુજરાન ચલાવું છું. મારી વાડીમાં એકાદ વર્ષથી મનકર નાનજીભાઇ રાઠવા ભાગીયા તરીકે રહે છે અને વાડી વાવે છે. તેની સાથે તેની પત્ની ઇલમા અને તેના ત્રણ બાળકો પણ રહે છે. રવિવારે રાતે અમારી બાજુમાં હિતેષભાઇ મેરામભાઇ કુમારખાણીયાની ખેતીની જમીન હોઇ હિતેષભાઇએ મને ફોન કરી જાણ કરી હતી કે હું મારી વાડીએ પાણી વાળવા આવ્યો છું અને તમારી વાડીના મકાનમાં રહેતાં મજૂર પતિ-પત્ની માથાકુટ કરે છે, ઝઘડો કરી દેકારો મચાવે છે.
આ વાત સાંભળી હું તથા અમારા ગામના સરપંચ નીતનભાઇ રણછોડભાઇ રૈયાણી અમારી વાડીના રૂમ પર પહોંચ્યા હતાં. ત્યાં બાજુની વાડીવાળા હિતેષભાઇ પણ આવ્યા હતાં. મજૂર મનકર રૂમ પર હતો અને તેની પત્ની ખાટલામાં સુતેલી હતી. મનકરને પુછતાં તેણે કહેલું કે આજે હોળીનો તહેવાર હોઇ અમે અહીં નાનકડી એવી હોળી બનાવી હતી.
જેમાં હું ચણા નાંખતા ભુલી ગયો હતો તેથી મારી પત્નિએ ચણા કેમ નાંખ્યા નહિ? તેવું કહી ઝઘડો કરતાં અમારી વચ્ચે માથાકુટ થઇ ગઇ હતી. આ વખતે મને ખાર ચડતાં મેં ઇલમાને બાજુમાં પડેલી લોખંડની કોશ ઉપાડી માથામાં મારી દીધી છે.
ઇલમા બેભાન પડેલી હોઇ સરપંચ નિતીનભાઇએ સરધાર પોલીસ પીસીઆર ગાડી સાથે પહોંચ્યા હતાં.
તેમણે તપાસ કરતાં ઇલમાના માથામાં ઇજા દેખાઇ હતી, લોહી નીકળતાં હતાં. તેણી બેભાન હતી. આથી ૧૦૮ બોલાવી હતી. ૧૦૮ના તબિબે ઇલમાને જાેઇને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી આરોપી મનકર નાનજીભાઇને સકંજામાં લીધો હતો.