Western Times News

Gujarati News

પત્નિની હત્યાની ધમકીથી પતિનો આપઘાત

સેટેલાઈટમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળેલા યુવકની ફોઈએ ફોન કરતા જ સમગ્ર હકીકત બહાર આવી : પ્રેમલગ્ન કર્યાં બાદ યુવતિ યુવક પર સતત છુટાછેડા માટે દબાણ કરતી હતી

(પ્રતિનિધિ) અમદાવાદ : દેશભરમાં ઘરેલુ હિંસાની ઘટનાઓમાં મહિલાઓને ત્વરિત ન્યાય મળે તે માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને આવી ઘટનાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પરિસ્થિતિમાં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં  પત્નિની અને તેના પિયરીયાઓના ત્રાસથી ત્રસ્ત બનીને યુવકે આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે.

યુવકે લગ્ન કર્યા બાદ અમદાવાદ આવીને રહેવા લાગ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી પત્નિ તેના પર છુટાછેડા માટે દબાણ કરતી હતી અને જા છુટાછેડા ન આપે તો હત્યા કરવાની ધમકી પણ આપતી હોવાથી આ યુવક ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેની ફોઈને યુવકે ફોન કરી પોતે આપઘાત કરી લેશે તેવુ જણાવ્યું હતું અને ત્યારબાદ આ યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મયુર રાજુભાઈ પરમાર નામના યુવકના લગ્ન અગાઉ ભાવનગરમાં રહેતી એક યુવતિ સાથે થયા હતા લગ્નબાદ પતિ-પત્નિ વચ્ચે મનમેળ નહી રહેતા મયુરે છુટાછેડા લીધા હતા છુટાછેડા લીધા બાદ ભાવનગરમાં જ રહેતી જાગૃતિ નામની યુવતિ સાથે તેણે પ્રેમલગ્ન કરી લીધા હતા અને લગ્ન કર્યાં બાદ મયુર જાગૃતિને લઈ કચ્છ રહેવા જતો રહયો હતો.

આ લગ્નથી જાગૃતિના પરિવારજનો નાખુશ હતાં કચ્છમાં રહયા બાદ મયુર અને જાગૃતિ અમદાવાદ બોપલ વિસ્તારમાં રહેવા આવ્યા હતા અને લગ્નજીવન દરમિયાન તેને ત્રણ વર્ષની એક પુત્રી પણ હતી.

પ્રારંભમાં લગ્નજીવન સુખમય રીતે પસાર થયું હતું પરંતુ થોડા સમય બાદ જ બંને પતિ-પત્નિ વચ્ચે ખટરાગ શરૂ થયો હતો બીજા લગ્ન કર્યા બાદ ખુશખુશાલ જાવા મળતો હતો પરંતુ જાગૃતિ નાખુશ જણાતી હતી અને તે વારંવાર મયુર પર છુટાછેડા આપવા માટે દબાણ કરતી હતી જેના પરિણામે મયુર માનસિક રીતે ત્રસ્ત બની ગયો હતો.

પત્નિના દબાણના પગલે તે ઘર છોડીને પણ જતો રહયો હતો અને તેણે પંચમહાલના કાલોલમાં રહેતા તેના ફોઈ રતનબેન પરમારને સમગ્ર હકીકત જણાવી હતી ત્યારબાદ મયુર ફરી વખત ઘરે પરત આવ્યો ત્યારે જાગૃતિએ તેની સાથે ઝઘડો કરી છુટાછેડા આપવા માટે જણાવ્યું હતું આ દરમિયાનમાં મયુરને શંકા ગઈ હતી કે જાગૃતિ અન્ય એક યુવક સાથે આડા સંબંધો ધરાવે છે અને તે અંગે પુછતા જ જાગૃતિ વધુ દબાણ કરવા લાગી હતી.

પત્નિના છુટાછેડાના દબાણથી ત્રસ્ત બનેલા મયુરને ધમકીઓ મળવા લાગતા તે ગભરાયો હતો જાગૃતિએ ધમકી આપી હતી કે જા તે છુટાછેડા નહી આપે તો તેના ભાઈઓ તથા અન્ય શખ્સો તેની હત્યા કરી નાખશે આ ધમકીથી મયુર ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તેણે આ સમગ્ર હકીકત તેની ફોઈ રતનબેનને જણાવી હતી જેના પરિણામે ફોઈ પણ ગભરાઈ ગયા હતા અને તેને સમજાવવા માટે સતત ફોન કરતા હતા.

પરંતુ મયુરનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો આ દરમિયાનમાં ગઈકાલે રતનબેને મયુરના ફોન પર ફોન કરતા રીંગવાગી હતી પરંતુ આ ફોન સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાંથી એક કોન્સ્ટેબલે ઉપાડયો હતો અને તેમણે રતનબેનને જણાવ્યું હતું કે આ ભાઈએ આત્મહત્યા કરી લીધી છે જેના પરિણામે ફોઈ માનસિક રીતે પડી ભાંગ્યા હતા.

પ્રારંભમાં સેટેલાઈટ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી મયુરે સેટેલાઈટ વિસ્તારમાં જાગણી માતાના મંદિર પાસે રણુજાનગર વિભાગ-ર ની ચાલીમાં એક મકાનની અંદર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો સેટેલાઈટ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ દરમિયાનમાં જ મયુરના ફોઈનો ફોન આવતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં ઘટનાની જાણ થતાં રતનબેન તાત્કાલિક સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા અને તેના ભત્રીજાએ જણાવેલ સમગ્ર હકીકત જણાવતા જ પોલીસે ગુનો દાખલ કર્યો છે આ અંગે રતનબેને મયુરની પત્નિ  જાગૃતિ, જાગૃતિનો ભાઈ હર્ષલ, માતા બાલુબેન સહિત પાંચ વ્યક્તિઅો  વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.