Western Times News

Gujarati News

પત્નીએ ૧.૬૬ લાખ ઉપાડતાં બેન્કને નાણાં ચૂકવવા આદેશ

અમદાવાદ, અલગ રહેતી પત્નીને ભૂલથી પતિનું એટીએમ કાર્ડ મોકલી દેનારી એક્સિસ બેંકને ૧.૬૬ લાખ રુપિયા ૭ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો વારો આવ્યો છે. બેંકે મોકલાવેલા એટીએમ કાર્ડ દ્વારા ખાતેદારની જાણ બહાર તેમના અકાઉન્ટમાંથી ૧.૬૬ લાખ રુપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે તેમણે ગ્રાહક સુરક્ષા પંચ સમક્ષ ફરિયાદ કરતાં બેંકને વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.

આ કેસની વિગતો એવી છે કે, કલોલ નજીકના નારદીપુર ગામમાં રહેતા વિનોદ જાેષી પોતાના દીકરા સાથે એક્સિસ બેંકમાં જાેઈન્ટ અકાઉન્ટ ધરાવતા હતા. જેના ડેબિટ કાર્ડનો ઉપયોગ તેઓ બંને કરતા હતા. જાેકે, કાર્ડ ખોવાઈ જતાં તેમણે સપ્ટેમ્બર ૨૦૦૯માં બેંકને નવું કાર્ડ ઈશ્યૂ કરવા માટે અરજી કરી હતી. પરંતુ નવું કાર્ડ તેમને ક્યારેય મળ્યું જ નહોતું. બીજી તરફ, ૨૬ ઓગસ્ટના રોજ તેઓ સેલ્ફ ચેકથી બેંકમાં ૧૦ હજાર રુપિયા ઉપાડવા ગયા ત્યારે તેમને એવું કહેવાયું હતું કે તેમના ખાતામાં બેલેન્સ નથી.

પોતાના ખાતામાંથી રુપિયા ક્યાં ગયા તે જાણવા માટે વિનોદ જાેષીએ બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. તપાસ કરતા ખાતેદારને જાણ થઈ હતી કે બેંકે નવું એટીએમ કાર્ડ તેમને મોકલવાને બદલે તેમનાથી અલગ રહેતી પત્નીના ગાંધીનગર સ્થિત સરનામે મોકલી દીધું છે. જેના દ્વારા કુલ ૧,૬૬,૯૦૦ રુપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. બેંકની આ ગફલતથી પોતાને થયેલા નુક્સાનનું વળતર મેળવવા માટે તેમણે ગાંધીનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ૨૦૧૦માં બેંક સામે કેસ કર્યો હતો.

ફરિયાદીનો આક્ષેપ હતો કે બેંકે દાખવેલી બેદરકારીને કારણે તેમને પોતાના રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, પોતે બેંકને પત્ની સાથે ચાલતી કાયદાકીય લડાઈ અંગે માહિતી આપીને ૨૦૦૫માં સરનામું બદલાવવા માટે અરજી પણ આપી હતી. જાેકે, તેમ છતાંય તેમનું એટીએમ કાર્ડ તેમની પત્નીના સરનામે મોકલી દેવાયું, અને તેના દ્વારા તેમના અકાઉન્ટમાંથી પત્નીએ કથિત રીતે ૧.૬૬ લાખ ઉપાડી લીધા છે.

બેંકે કોર્ટમાં આ અંગે આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, તેણે કાર્ડ વિનોદ જાેષીના સરનામે જ મોકલ્યું છે. એટલું જ નહીં, ૧.૬૬ લાખ રુપિયા પણ ખાતેદાર અને તેમના દીકરા દ્વારા જ ઉપાડવામાં આવ્યા છે.

બેંકે દાવો કર્યો હતો કે આ અંગેના તેની પાસે એટીએમના સીસીટીવી ફુટેજ પણ છે. જાેકે, તેને ક્યારેય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નહોતા આવ્યા. વળી, કેસની સુનાવણી દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે એટીએમ કાર્ડ વિનોદ જાેષીને નારદીપુર નહીં, પરંતુ તેમની પત્નીને ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું.

બેંકે એવો પણ દાવો કર્યો હતો કે કાર્ડનો પીન વિનોદ જાેષીને ઈમેલ કરાયો હતો, પરંતુ તે પણ કોર્ટમાં સાબિત નહોતું થઈ શક્યું. ડોક્યુમેન્ટ્‌સ પરથી એ વાત બહાર આવી હતી કે વિનોદ જાેષીને પીન મળ્યો જ નહોતો, તેને પણ કુરિયર દ્વારા તેમની પત્નીને જ મોકલવામાં આવ્યો હતો. તેમના દીકરાએ ૧ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ તેને રિસીવ કર્યો હતો.

ગાંધીનગર જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતે ૨૦૧૧માં આ કેસની સુનાવણી પૂર્ણ કરીને બેંકની વિરુદ્ધ ચુકાદો આપતા ફરિયાદીને વળતર ચૂકવી દેવા આદેશ કર્યો હતો. જાેકે, તેની સામે બેંકે રાજ્ય સ્તરની ગ્રાહક સુરક્ષા અદાલતમાં અપીલ કરી હતી. જેના પર સુનાવણી કરતા જ્યુડિશિયલ મેમ્બર એમ.જે. મહેતાએ નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખી બેંકને કસૂરવાર ઠેરવી હતી અને ૨૦૧૦થી સાત ટકા વ્યાજ સાથે ૧.૬૬ લાખ રુપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.