Western Times News

Gujarati News

પત્નીએ ૫ વર્ષના પુત્ર સાથે કૂવામાં કૂદી જીવન ટુંકાવ્યું

અમદાવાદ: કોરોના મહામારી છેલ્લા કેટલાય મહિનાઓની લોકોના જીવનમાં અનેક મુશ્કેલી લઈને આવી છે. જૂનાગઢના કેશોદમાં એક કરૂણ ઘટના બની છે. આ પરિવાર માટે કોરોના કાળ બનીને આવ્યો અને પરિવારને ભરખી ગયો. કોરોનાગ્રસ્ત પતિના મોત બાદ આઘાતમાં સરી પડેલી પત્નીએ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે આજે કૂવામાં કૂદીને જીવન ટુંકાવી લીધું. સ્થાનીક સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મોટી ઘંસારી ગામ આવેલું છે.

ગામમાં રહેતા અશોકભાઈ ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અશોકભાઈએ ગત ૨૩ ઓગસ્ટે હોસ્પિટલની બિલ્ડિંગ પરથી છલાંગ મારી મોતને વ્હાલું કરી લીધું હતું.

આ ઘટના બાદ તેમના પત્ની નીતાબેન આઘાતમાં સરી પડ્યા. પતિની ઓચિંતી વિદાયથી તેઓ સ્તબ્ધ રહી ગયા. તેમના મોત બાદ તેઓ સૂનમૂન થઈ ગયા હતા. તેમના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા .

તેઓ ભવિષ્યમાં જીવન કેવી રીતે જીવશે. વિચારોની આંટીઘૂટીમાં તેમણે આજે અચાનક જ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે કૂવામાં કૂદીને આપઘાત કરી ચોંકાવનારું પગલું ભરી લીધું. આ કરૂણ ઘટનાથી મોટી ઘંસારી ગામમાં ચકચાર મચી ગઈ અને ચુડાસમા પરિવારમાં બનેલી આ ઘટનાથી સૌકોઈ ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે અશોકભાઈ માંગરોળની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા જ્યારે નીતા બહેન આંગણવાડીમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ નાનકડા સુખી પરિવારને જાણે કે કોરોના ભરખી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.