Western Times News

Gujarati News

પત્નીના બર્થડે પર પતિ ફરવા લઈ ગયો અને ત્યાં ફટકારી

અમદાવાદ, દારૂના વ્યસને ઘણા પરિવારોને બરબાદ કર્યા છે. ત્યારે દારૂના વ્યસની એક યુવક પોતાની પત્નીને જન્મદિવસે દમણ ગઈ ગયો અને ત્યાં દારૂ પીને પત્ની સાથે મારઝૂડ કરી હતી. જે બાદ અમદાવાદ પરત આવીને પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત દમણમાં ખાવા-પીવા માટે પણ પતિએ પિયરથી પૈસા માગ્યાનો આક્ષેપ કર્યો છે. હવે આ મામલે બાપુનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, હાલ મહેસાણામાં રહેતી ૨૮ વર્ષિય પ્રિયંકા (નામ બદલ્યું છે)ના પહેલા એક લગ્ન થયેલા હતા. પરંતુ મનમેળ ન થતા તેણે પતિથી છૂટાછેડા લઈ લીધા હતા. આ બાદ પ્રિયંકાએ ૨૦૧૮માં બાપુનગરમાં રહેતીને ડીજેનો બિઝનેસ કરતા યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નના અઠવાડિયા બાદથી જ તેનો પતિ દારૂ પીને ઘરે આવતો અને મારઝૂડ કરતો હતો. પ્રિયંકાએ આ વાત સાસુને કરતા જવાબ મળ્યો, તારી માએ કંઈ કામ શીખવાડ્યું નથી અને પિતાએ કંઈ કરિયાવર પણ આપ્યું નથી.

બીજા લગ્ન હોવાથી પ્રિયંકા અસહ્ય ત્રાસ સહન કરીને પોતાનો સંસાર બચાવી રહી હતી. પ્રિયંકા જ્યારે પોતાના માતા-પિતાના ઘરે જાય ત્યારે સાસરિયાં તેને લેવા પણ નહોતા જતા. વિરમગામ ખાતે પતિનો ડિજેનો ઓર્ડર હોઇ પ્રિયંકા પણ ત્યાં સાથે ગઈ હતી. જ્યાં દારૂ પીને પતિએ તેની સાથે મારપીટ કરી હતી. આટલું જ નહીં જન્મદિવસ આવતો હોઈથી પતિ તેને દમણ જવા માટે પિયરથી ૧૦૦૦૦ રૂપિયા લઈ આવવા કહ્યું હતું.

પ્રિયંકાના જન્મદિવસે પતિ દમણ ખાતે ફરવા લઈ ગયો, ત્યાં દારૂ પીને તેની સાથે મારપીટ કરી હતી. બાદમાં અમદાવાદ આવીને દમણનો ૧૦ હજારનો ખર્ચ પિયરમાંથી લઈ આવવા દબાણ કર્યું હતું.

આટલું જ નહીં પ્રિયંકાના સસરાએ પણ તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાના દહેજની માગણી કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમગ્ર બાબતોથી કંટાળીને આખરે પ્રિયંકાએ સાસરિયાંઓ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.