પત્નીની કસ્ટડી માટે હાઈકોર્ટના શરણે NRI પતિ, સાસુ-સસરા સામે કર્યા ગંભીર આક્ષેપ

Files Photo
અમદાવાદ: મહિલાને ૮ ઓગસ્ટ સુધીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવાનો આદેશ પોલીસને અપાયો છે, કારણકે મહિલાના પતિને આશંકા છે કે તેના સાસરાવાળા કંઈક જાેખમી પગલું તેની (પત્નીની) સામે ભરી શકે છે. મહિલાનો પરિવાર તેના લગ્નની વિરુદ્ધમાં છે કારણકે તેનો પતિ બીજી જ્ઞાતિનો છે. અરજીકર્તા પતિ મૂળ રાજસ્થાનનો છે અને તેની પત્ની મહેસાણાના એક નાનકડા ગામથી આવે છે. બંને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયા હતા.
કેનેડામાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તેઓ સાથે રહેવા લાગ્યા કારણકે મહિલાના પતિ કેનેડાના પીઆર છે. કપલને ત્યાં સારી નોકરી પણ મળી જતાં તેમણે લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. રજિસ્ટર જનરલ ઓફ ઓન્ટારિયો સમક્ષ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કપલના લગ્ન રજિસ્ટર થયા હતા. અરજીકર્તાએ કહ્યું કે, તે અને તેની પત્ની કેનેડામાં સુખેથી રહેતા હતા પરંતુ એક દિવસ પત્નીના માતા-પિતા ત્યાં આવ્યા. કેટલાક રીત-રિવાજાેે પૂરા કરવાના હોવાનું સમજાવીને તેઓ દીકરીને પોતાની સાથે ભારત લઈ આવ્યા. તે ભારત આવી અને ત્યારથી તેના પતિ સાથે કોઈ વાતચીત થઈ નથી. પતિનો આરોપ છે કે, તેના સાસુ-સસરાએ તેની પત્નીના ટ્રાવેલ ડાૅક્યુમેન્ટ લઈ લીધા હશે જેથી તે કેનેડા પરત ના આવી શકે.
પતિનો એવો પણ આરોપ છે કે, તેઓ પત્ની સાથે ફોન પર વાત પણ નથી કરવા દેતા. મહિલાએ તેની ઓફિસમાંથી પતિને ઈ-મેઈલ કરતાં સમગ્ર ઘટનાની જાણકારી મળી. એટલે જ પતિ હવે પત્નીને લેવા માટે ભારત આવ્યો છે.