પત્નીની હત્યા કરીને પુજારીવેશે છૂપાયેલો આરોપી ૯ વર્ષે ઝબ્બે
ગાઝિયાબાદ: પત્ની સાથેના વિવાદ બાદ રોડ પર ગોળી મારીને હત્યા કરીને ફરાર થયેલા આરોપી પતિની ૯ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આરોપી આટલા વર્ષોથી ઓડિશામાં છુપાયેલો હતો. ગાઝિયાબાદ એસપી સિટી સેકન્ડ જ્ઞાનેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વસુંધરામાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ ગીતા નામની મહિલાની તેના જ પતિએ હત્યા કરી હતી. આ કેસમાં ટીમે ઓડિશા પોલીસની મદદથી આરોપીને જગતસિંહપુર (ઓડિશા)થી ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા વ્યક્તિનું નામ મનોરંજન છે.
આઇજી રેંજ દ્વારા આરોપી ઉપર ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન તે પૂજારી તરીકે છુપાઈને રહેતો અને લોકોના ઘરોમાં પૂજા-પાઠ કરાવતો હતો. સીઓ ઇન્દિરાપુરમ અભયકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે ગાઝિયાબાદમાં રહેતો હતો અને કલર લેબ ચલાવતો હતો. ૨૦૦૭માં તેણે ગીતા સાથે લગ્ન કર્યા હતા.
૨૦૧૦માં વિવાદ બાદ પત્ની તેનાથી અલગ થઈ ગઈ હતી અને પછી તેણીએ બીજા કોઈને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આથી ગુસ્સે થઈને તેણે પરત ઘરે ફરતી વખતે પત્નીને ગોળી મારી દીધી હતી. આ મામલે મૃતકના ભાઈ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારથી જ તે ફરાર હતો. આ કેસમાં ભૂતકાળમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઉભા થયા હતા. જાે કે, બાદમાં પોલીસ તપાસ દરમિયાન તે ઓડિશામાં પૂજારી તરીકે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જાે કે, પોલીસ ડાયરેક્ટ તેની ધરપકડ ન કરી શકતી હોવાથી ઓડિશા પોલીસ સાથે વાત કર્યા બાદ તેમના સહયોગથી પોલીસ આરોપી સુધી પહોંચી અને તેની ધરપકડ કરી તેને ગાઝિયાબાદ લઈ આવી હતી.