પત્નીની હત્યા કરી લાશ દાટી દેનારો પતિ પકડાયો
અમરેલી, ખાંભા તાલુકાના ભાણિયા ગામે એક માસ પહેલા વાવાઝોડામાં ઘરનો માલ-સામાન મૂકવા બાબતે પતિ-પત્ની વચ્ચે સર્જાયેલ સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીની હત્યા નીપજાવી લાશને વાડીની બાજુમાં ખાડો ખોદી દાટી દીધાની ઘટનાનો ગઇકાલે પર્દાફાશ થતા પોલીસે લાશને ખાડામાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલેલ હતી. આજે આરોપી પતિની ધરપકડ કરવામાં આવેલ હતી.
ખાંભાના ગીદરડી ગામની વિલાસબેન કરશનભાઇ કાપરિયા નામની યુવતીએ છ વર્ષ પહેલા ખાંભાના ભાણિયા ગામના હનુ ભીખા ખસિયા ગામના યુવાન સાથે પ્રેમલગ્ન કરેલ હતા. ગત તોક્તે વાવાઝોડામાં વાડીએ આવેલ ઓરડી પડી ગયેલ હતી. ઓરડી પડી જતાં તેમાં દટાઇ ગયેલ ઘર સામાન બહાર કાઢવા અંગે બંને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી. જેમાં પતિએ પત્ની વિલાસને માર મારી હત્યા નીપજાવી નાખેલ હતી.
પુરાવાનો નાશ કરવા લાશને વાડીની બાજુમાં જ ખાડો ખોદી દાટી દીધેલ હતી. બાદમાં કાંઇ ઘટના બની જ ન હોય તેમ પતિ કામધંધો કરવા લાગેલ હતો. વિલાસબેનના ભાઇ અશ્વિન પાંચેક દિવસ પહેલા પોતાની બહેનને મળવા ગયેલ હતો. ત્યારે તેમાં બનેવીએ જણાવેલ હતું કે તારીબેન વાવાઝોડા બાદ ક્યાંક જતી રહેલ છે.
ક્યાં ગઇ છે તેની જાણ નથી પરંતુ પોતાની બેનની તપાસ કરતા તેના પતિએ જ મારી નાખેલ હોવાની વાત જાણવા મળેલ હતી. તેથી ત્રણ દિવસ પહેલા ખાંભા પોલીસમાં પોતાની બહેન ક્યાંક ગુમ થયેલ હોય કે તેમની હત્યા થયા અંગેની આશંકા દર્શાવી તપાસ કરવા અરજી આપેલ હતી.
ખાંભા પોલીસે ખાનગી રાહે તપાસ કરતા વિલાસબેનની હત્યા કરી લાશને વાડીના શેઢા પાસે દાટી દીધાની હકિકત જાણવા મળેલ હતી. ગઇકાલે ખાંભા પીએસઆઇ પી.બી. ચાવડા, ના.પો.અ. કે.જે. ચૌધરીની ટીમે ઘટનાસ્થળે ખાડો ખોદી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ હતી.
પોલીસે અટકમાં લીધેલા પતિની આગવી ઢબે અને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરવામાં આવતા પતિ ભાંગી પડેલ હતો અને પોતાની પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપેલ હતી. પોલીસે પતિની આજે ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.