Western Times News

Gujarati News

પત્નીને આડા સંબંધો હશે તો પણ પતિએ આપવું પડશે ભરણપોષણ

અમદાવાદ, પતિ-પત્નીના સંબંધો વચ્ચે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશતી હોય છે ત્યારે એ સંબંધોમાં ખટાશ આવે એ સ્વભાવિક ઘટના છે. લાંબે ગાળે આ અનૈતિક સંબંધો છૂટાછેટા સુધી પહોંચતા હોય છે. ત્યારે આવા કિસ્સામાં મહિલાના અધિકારોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

આ સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જે અંતર્ગત પત્નીને બીજા સાથે અનૈતિક સંબંધો હશે તો પણ પતિએ તેને ભરણપોષણની રકમ ચુકવવી પડશે. પત્નીને અન્ય સાથે અનૈતિક સંબંધ હોવા છતા ભરણપોષણના અધિકારથી વંચિત રાખી શકાય નહી. જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે પત્ની દ્વારા છૂટાછેડા હોવા છતાં પતિ સાથે રહેવા કરેલી અપીલમાં ઉક્ત અવલોકન કર્યુ છે.

પત્નીને લગ્નના થોડા વર્ષો પછી અનેક લોકો સાથે સંબંધ હોવાના ગ્રાઉન્ડ પર જ પતિએ ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા મેળવ્યા હતા.ફેમિલી કોર્ટના ચુકાદાને પત્નીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેણે અપીલમાં એવી રજૂઆત કરી હતી છે કે તેને પતિના ઘરે તેની સાથે રહેવું છે. જાે પતિ સાથે ન રાખે તો ભરણપોષણ અપાવો. ખંડપીઠે ટકોર કરી કે ભરણપોષણ મેળવીને છૂટા થાઓ. પતિને તમારી સાથે રહેવું નથી અને આવા લગ્નનો કોઇ મતલબ નથી.

ગાંધીનગરમાં રહેતી પરિણીતાએ હાઇકોર્ટમાં તેમના છૂટાછેડાની ડીક્રીને પડકારતી અપીલ કરી છે. તેના પતિએ પત્નીના અન્ય પુરૂષો સાથે અનૈતિક સંબંધોના ગ્રાઉન્ડ પર ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા મેળવ્યા છે. પત્નીએ હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, તેનો દીકરો અને તે બન્ને વર્ષ ૨૦૧૪થી અલગ રહે છે દીકરો હવે તેના પિતાને ઓળખતો પણ નથી. પતિ તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે તેની પત્ની તેના કરતા બે ગણું વધારે કમાય છે.

મને પરેશાન કરવાના ઇરાદે ભરણપોષણ માંગી રહી છે. ખંડપીઠે એવી ટિપ્પણી કરી હતી કે, પત્ની તમારા કરતા ચાર ગણું વધારે કમાતી હોય તો પણ ભરણપોષણ ચૂકવવું પડે. એક સાથે રકમ આપી દો તો ઝડપથી છૂટા થઈ શકશો.

ભરણપોષણ તો આપવું પડશે. ખંડપીઠે દીકરા અને તેની પત્નીને ભરણપોષણ આપવા મામલે ટકોર કરતા પતિએ એવી દલીલ કરી હતી કે, પત્ની ગમે તેવા અનૈતિક સંબંધ રાખતી હોય પરતું તેના બાળક અને તેને ભરણપોષણના અધિકારથી વંચિત રાખી શકાય નહી. બાળક પ્રત્યેની જવાબદારીમાંથી પિતા છટકી શકે નહીં.

પત્ની વ્યભિચારી હોય તે કારણે ભરણપોષણ નહી આપવાનું એવો કોઇ કાયદો નથી. પિતાએ દીકરાની આખી જિદંગીના ખર્ચા માટે ૮ લાખ આપવાની ઓફર મુકી હતી. તે સાંભળીને કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, જરાક વિચાર કરો કે દીકરાની આખી જિદંગીમાં એજયુકેશન, મેડિકલ અને અન્ય ખર્ચા કેટલા થાય? અત્યારે વર્ષે માત્ર ટ્યૂશનની ફી લાખ રૂપિયા હોય છે. તમે તમારી સગવડ મુજબ ઓફર આપો નહીતર કોર્ટને યોગ્ય લાગશે તેવી રીતે રકમ કહેશે. પત્નીના ત્રાસથી છૂટવું હોય તો ઝડપથી ભરણપોષણ આપીને છૂટા થાઓ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.