Western Times News

Gujarati News

પત્નીને ટીબી થતા પતિએ ધક્કો મારીને ઘર બહાર કાઢી મુકી

સુરત, ૧૯ વર્ષીય પ્રેગ્નેન્ટ પત્નીને ટીબી હોવાની જાણ થયા બાદ કથિત રીતે હેરાનગતિ કરીને ઘરની બહાર કાઢી મૂકવાના આરોપ હેઠળ રત્નકલાકાર પતિ તેમજ તેના પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, મહિલા, પ્રવાસી મજૂરની દીકરીએ આક્ષેપ લગાવ્યો હતો કે, આરોપીઓએ તેને તેની વસ્તુઓ પણ લેવા દીધી નહોતી અને જ્યારે તે કપડા લેવા માટે પરત ફરી ત્યારે તેમણે તેને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે પતિ સમાધાન સોનાવણે, તેની માતા સુનંદા, પિતા શિવાજી, બહેન આશા કાપડ અને ઉષા સામે મહિલા સાથે ક્રૂરતા, ઈજા પહોંચાડવી, ઈરાદાપૂર્વક અપમાન, ગુનાહિત ધમકી આપવા બદલ આઈપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોતાની ફરિયાદમાં, મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન સોનાવણે સાથે મહારાષ્ટ્રના જલગાંવના ખોલસાર ગામમાં ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ થયા હતા.

લગ્ન બાદ તે ગોડાદરા આવી ગઈ હતી જ્યાં તે પોતાના પતિ અને સાસરિયાં સાથે રહેતી હતી. જાે કે, લગ્નના પાંચ મહિનામાં જ તેના સાસરિયાં નાની-નાની બાબતોમાં પરેશાન કરવા લાગ્યા હતા અને સોનાના ઘરેણાની માગ શરુ કરી દીધી હતી. આ દરમિયાન, જુલાઈમાં મહિલાના ગળામાં ટ્યૂમર થયું હતું અને તેનો પતિ તેને ડોક્ટર પાસે લઈ ગયો હતો. ટેસ્ટમાં તેને ટીબી હોવાની પુષ્ટિ થઈ હતી અને ડોક્ટરોએ સર્જરી કરાવવાનું સૂચન આપ્યું હતું. જાે કે, ડોક્ટરનો સંપર્ક કર્યા બાદ તે પોતાના પિયર જતી રહી હતી, જેમણે તેને કહ્યું હતું કે થોડા મહિના સુધી દવા લઈને પણ ટીબીની સારવાર થઈ શકે તેમ છે. ૩ જુલાઈએ પરત ફરતાં, સાસરિયાંએ બીમારીને છુપાવી રાખીને તેના લગ્ન સોનાવણે સાથે કરાવી દીધા હોવાનો આરોપ મહિલાના પિતા પર લગાવ્યો હતો. તે પાંચ મહિનાની ગર્ભવતી હોવાની જાણ હોવા છતાં, પરિવારે ત્રાસ આપવાનું યથાવત્‌ રાખ્યું હતું અને થોડા સમય બાદ તેણે તેની માતાને ફોન કર્યો હતો અને ૭ જુલાઈએ ઘર છોડીને જતી રહી હતી.

૧૧મી જુલાઈએ તે પોતાનો સામાન લેવા માટે આવી હતી, પરંતુ પરિવારના સભ્યોએ તેને ઘરમાં ઘૂસવા દેવાનો ઈનકાર કરી દીધો હતો. સોનાવણેએ તેને લાફો પણ માર્યો હતો અને ફરીથી આવી તો મારી નાખવાની ધમકી આપી હતી, તેવો મહિલાએ આરોપ લગાવ્યો હતો. ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.