પત્નીને મનાવવા પતિએ જીવતા પુત્રની અર્થી સજાવી અને દીકરીના ગાળામાં ફાંસો નાંખ્યો

મુંબઇ, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. આ ઝઘડાઓના મોટા ભાગે પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ જાય છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીને મનાવવા માટે બે બાળકોના મોતની ખોટી વાર્તા ઘડી કાઢી હતી.
પત્નીને મનાવવા માટે પતિએ જીવતા પુત્રની અર્થી સજાવી દીધી અને દીકરીને ખોટો ગળેફાંસો ખાવા માટે મજબૂર કરી હતી. આ ઘટનાને લઇને પોલીસે પતિની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પતિ નશાની હાલતમાં હતો. પતિ તેની પત્ની અને બાળકોને દારુના નશામાં માર મારતો હોવાના કારણે તેની પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ હતી.
રિપોર્ટ અનુસાર મુંબઈના કુરાર પોલીસ સ્ટેસનના હદ વિસ્તારમાં સૂચિત ગૌડ નામનો વ્યક્તિ તેના પરિવારના સભ્યો સાથે રહેતો હતો. સૂચિત ગૌડને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. સૂચિત ગૌડને દારૂ પીવાની ટેવ હોવાના કારણે તે પત્ની સાથે અવાર નવાર મારામારી કરતો હતો.
તેથી સૂચિતથી કંટાળીને તેની પત્ની રિસાઈને પિયરમાં ચાલી ગઈ હતી. સૂચિતે પત્નીને મનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ તે પરત આવવા માટે તૈયાર નહોતી. તેથી સૂચિતે એક નાટક કરીને પત્નીને પરત લાવવાનો પ્લાન બનાવ્યો હતો.
આ પ્લાન અનુસાર સૂચિતે ૮ વર્ષના દીકરાને જમીન પર સુવડાવીને તેના પર સફેદ કલરનું કપડું ઢાંકીને તેના પર ફૂલના હાર ચઢાવી દીધા હતા. ત્યારબાદ ૧૩ વર્ષના દીકરીને સૂચિતે ગળામાં ફંદો નાંખ્યો હતો. પિતાએ ગળામાં ફંદો નાંખતાની સાથે જ ૧૩ વર્ષની દીકરીએ બૂમાબૂમ કરી હતી.
૧૩ વર્ષની બાળકીની બૂમાબૂમો સાંભળતા જ પાડોશીઓ સૂચિતના ઘરે આવ્યા હતા. જ્યારે પાડોશી ઘરે આવ્યા તે સમયે સૂચિત દીકરીના ગળામાં ફંદો નાંખીને દીકરીના પગ નીચેથી ડોલ હટાવવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે પાડોશીએ સૂચિતને આવું કરતા અટકાવ્યો હતો.
પાડોશી સૂચિતને જાેઈ જતા તે ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ પાડોશીએ પોલીસને આ બાબતે માહિતી આપી હતી. તેથી પોલોસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સૂચિતની ધરપકડ કરી હતી. જે સમયે સૂચિતની ધરપકડ કરવામાં આવી તે સમયે સૂચિત દારુના નશામાં હતો. ત્યારબાદ પોલીસે સૂચિતને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસની કસ્ટડી મેળવી હતી.