પત્ની જ કુહાડી લઈને નિવૃત્ત શિક્ષક પર તૂટી પડી હતી
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના કેશોદતાલુકાના ચુનાભઠ્ઠી વિસ્તારમાં બે દિવસ પહેલા એક નિવૃત્ત શિક્ષક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો હતો. આ મામલે હવે નવો જ વળાંક આવ્યો છે. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે નિવૃત્ત શિક્ષક બિપીનભાઈ પંડ્યા પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. શનિવારે બે શખ્સો હુમલો કરીને ભાગી ગયાની વાત સામે આવી હતી.
હવે આ કેસમાં નિવૃત્ત શિક્ષિક બિપીનભાઈ પર તેમના જ પત્નીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં એવી વિગત ખુલી છે કે બિપીનભાઈના પત્નીએ જે કુહાડીથી હુમલો કર્યો હતો. જે બાદમાં તેમના પતિ પર હુમલો થયાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી.
આ કેસમાં પોલીસે હવે આરોપી પત્નીની ધરપકડ કરી છે. પત્નીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી પત્નીએ એકલતાનો ગેરલાભ ઉઠાવીને તેમના પતિની હત્યા કરવાના ઇરાદે હુમલો કર્યો હતો. કુહાડીથી હુમલો કર્યા બાદ તેમના પતિ પર હુમલો થયાની વાર્તા ઘડી કાઢી હતી. જે બાદમાં કુહાડી પાણીથી ધોઈ નાખી હતી.
આ મામલે પોલીસે હવે આરોપી પત્નીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસમાં પહેલા એવી વિગત સામે આવી હતી કે કેશોદમાં નિવૃત્ત શિક્ષક બિપીનભાઈ પંડ્યા તેમના ઘરે હતા ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઘાયલ કર્યાં હતાં. આ કેસમાં હવે પૂજા પંડ્યા ઉર્ફે સ્વાતિ પંડ્યા મુખ્ય આરોપી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
બિપીનભાઈની પત્ની સ્વાતીએ હત્યાના ઇરાદે જ હુમલો કર્યો હતો. જે બાદમાં પોતે ફરિયાદી બની હતી અને પોતાના પતિ પર હુમલો થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
હુમલાની ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુદ ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આકરી પૂછપરછ કરતા સ્વાતિ પંડ્યાએ કબૂલ કર્યું હતું કે, તેનો પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જે બાદમાં ૯મી તારીખના રોજ વહેલી સવારે પતિ જ્યારે ઊંઘમાં હતો ત્યારે તેના પર કુહાડી લઈને તૂટી પડી હતી.
પતિ પર કુહાડીના ઉપરાછાપરી ઘા બાદ સ્વાતિએ એવું માની લીધું હતું કે, તેનો પતિ મૃત્યુ પામ્યો છે. જે બાદમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેના પતિ પર હુમલો થયાની વાર્તા ઘડી કાઢી હતી. જાેકે, હકીકતમાં આરોપીનો પતિ જીવતો હતો. જે બાદમાં ઇજાગ્રસ્ત થયેલા નિવૃત્ત શિક્ષકે સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ રાજકોટની એક ખાનગી હૉસ્પિટલમાં પીડિત નિવૃત્ત શિક્ષકની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસને હત્યાના પ્રયાસમાં વપરાયેલી કુહાડી મળી આવી છે.SSS